Surat માં હેલ્મેટનો અમલ કરાવવા પોલીસ કટિબદ્ધ, હવે અપનાવશે આ વ્યુહરચના

અમદાવાદઃ સુરતમાં(Surat)ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ ટેકનોલોજીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહી છે. તાજેતરમાં ડ્રોન ઉડાડીને હેલ્મેટ વિના નીકળતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ હવે સીસીટીવી કેમેરા અને ‘પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ’નો ઉપયોગ કરીને હેલ્મેટ વગરના વાહન ચાલકોની ઓળખ કરી તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યાં છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરમાં હેલ્મેટ વિના નીકળતા વાહન ચાલકોને પકડવા તાજેતરમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે પોલીસે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે. આ નવી વ્યવસ્થા સુરત પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલ રૂમથી સંચાલિત થાય છે, જ્યાં પોલીસ કર્મીઓ ત્રણ શિફ્ટમાં કામ કરીને 24 કલાક ટ્રાફિક પર નજર રાખે છે. સુરત શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
શહેરમાં પોલીસે જે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે.
આ પણ વાંચો: Gujaratમાં હેલ્મેટના નિયમોનું કડક પાલન કરાવવા હાઇકોર્ટની તંત્રને તાકીદ
પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે
તેમાં સીસીટીવી કેમેરાની મદદથી હેલ્મેટ વિનાના વાહન ચાલકને ઓળખીને તેના વાહનની વિગતો મેળવીને સુરત કંટ્રોલ રૂમના ટ્રાફિક કર્મીઓ આ માહિતી નજીકના ટ્રાફિક પોઇન્ટ પર મોકલે છે.શહેરના દરેક મુખ્ય ટ્રાફિક પોઇન્ટ પર પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. કંટ્રોલ રૂમમાંથી મળેલી સૂચના લાઈવ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પર સંભળાય છે. જેથી એનાઉન્સમેન્ટના આધારે જે વાહનચાલક અંગેની જાણકારી મળે છે તેની પાસે તરત જ પહોંચી જાય છે.
લગભગ 80 ટકા લોકો હવે હેલ્મેટ પહેરીને નીકળે છે
ટ્રાફિક એસીપી એસ.આર.ટંડેલે કહ્યું હતું કે, આ ટેક્નોલોજીનો અમલ કરવાનું મુખ્ય ઉદ્દેશ્ય સુરત શહેરના લોકોની સલામતી સુનિશ્ચિત કરવું છે. લગભગ 80 ટકા લોકો હવે હેલ્મેટ પહેરીને નીકળે છે પણ બાકી 20 ટકા લોકો હજી પણ આ નિયમનું પાલન કરતા નથી. આ માટે અમે સીસીટીવી કેમેરા અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને નિયમ ભંગ કરનાર સામે પગલાં લઈ રહ્યા છીએ. આ વ્યવસ્થાને રાત-દિવસ કાર્યરત રાખવા માટે ટ્રાફિક પોલીસના જવાનો કંટ્રોલ રૂમમાં ત્રણ શિફ્ટમાં કામ કરે છે.