નવા દાગીના બનાવવાની લાલચ આપી ૪૦થી વધુ ગ્રાહકોને અંદાજે ₹૨ કરોડનો ચૂનો લગાડનાર આરોપીની ધરપકડ | મુંબઈ સમાચાર
સુરત

નવા દાગીના બનાવવાની લાલચ આપી ૪૦થી વધુ ગ્રાહકોને અંદાજે ₹૨ કરોડનો ચૂનો લગાડનાર આરોપીની ધરપકડ

સુરત: શહેરના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાગીના બનાવનાર એક વ્યક્તિએ બે ફરિયાદી સહિત ૪૦થી વધુ લોકો પાસેથી જુનું સોનું લઈ નવા દાગીના બનાવી આપવાના બહાને અંદાજે ₹૨ કરોડની મત્તાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કરોડોની છેતરપિંડી પરથી પડદો ઉંચક્યો છે.

મળતી વિગતો અનુસાર, અઠવાલાઇન્સ પોલીસે નીશીતભાઈ નરેન્દ્રભાઈ પચ્ચીગર (રહે. અડાજણ, સુરત) નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ પિનલભાઇ અરવિંદલાલ કાપડીયા પાસેથી ₹૨૨,૨૯,૦૦૦ નું જુનું સોનું નવા દાગીના બનાવવાના બહાને લીધું અને વાયદા કરીને દાગીના ન આપીને વિશ્વાસઘાત તેમજ પ્રવિણચંદ્ર દયાભાઇ જરીવાલા પાસેથી પણ ₹૨૪,૧૪,૧૦૦ ની કિંમતના સોનાના દાગીના મેળવી, નવા દાગીના બનાવી ન આપી છેતરપિંડી આચરી હોવાના ગુના નોંધાયેલા છે.

૪૦થી વધુ લોકો ભોગ બન્યા:

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી નીશીત પચ્ચીગરે માત્ર આ બે ફરિયાદી જ નહીં, પરંતુ અન્ય ૪૦ જેટલા સાહેદો/ભોગ બનનાર લોકો પાસેથી અંદાજે ૨૦૦૦ ગ્રામ (૨ કિલો) જેટલા સોનાના દાગીના/બિસ્કિટ મેળવી, દાગીના બનાવી આપ્યા નહોતા. દાગીના અને ઘડામણ પેટે મેળવેલ રકમ મળીને કુલ આશરે ₹૨,૦૦,૦૦,૦૦૦/- (બે કરોડ રૂપિયા) ની મત્તાની છેતરપિંડી કરી હતી. આરોપી પાસેથી પ્રથમ તબક્કામાં સોનાના દાગીના ₹૬,૭૨,૮૦૦ અને રોકડા ₹૬૨,૮૮૦ મળીને કુલ ₹૭,૩૫,૬૮૦ ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ દરમિયાન આરોપીના બેન્ક લોકરમાંથી વધુ ₹૩,૨૧,૩૦૦ ના દાગીના અને ₹૧૦,૯૦૦ રોકડા મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ ₹૧૦,૬૭,૮૮૦ ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે અન્ય ભોગ બનનારાઓને શોધવા અને સમગ્ર છેતરપિંડીના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો…જૂનાગઢમાં નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર સાથે સંબંધ બાંધીને 40 લાખ ખંખેરી લેવાયા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button