સગાઈના 6 મહિનામાં જ મોતની છલાંગ: સુરતમાં 9મા માળેથી ફિઝિયોથેરપી ડોક્ટરે કૂદીને જીવન ટૂંકાવ્યું!

સુરત: શહેરના એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સરથાણા વિસ્તારના એક શોપિંગ કોમ્પ્લેકસના 9માં માળેથી એક ફિઝિયોથેરપી ડોક્ટરે કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના સરથાણા જકાતનાકા પાસે આવેલા અતિથિ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં બની હતી. કેફેમાં બેઠેલી યુવતીએ અચાનક આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.
મળતી વિગતો અનુસાર, આ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં જકાતનાકા પાસે આવેલા અતિથિ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં બની હતી. કોમ્પ્લેકસના 9માં માળે આવેલા ચાય પાર્ટનર કાફેની બારીમાંથી યુવતીએ કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના ગઈકાલે સાંજે ઘટી હોવાના અહેવાલ છે. જો કે યુવતીએ કયા કારણોસાર આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
અહેવાલો અનુસાર, મૃતક રાધિકા કોટડિયાનું વતન જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનું ભેગડી ગામ છે, જ્યારે તે અહી પરિવાર સાથે રહેતી અને સરથાણા વિસ્તારમાં શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવે છે. જ્યારે તેમના પિતા જમનભાઈ કોટડિયા રત્નકલાકાર છે. લગભગ છ મહિના પહેલા જ રાધિકાની સગાઈ કરવામાં આવી હતી અને ફેબ્રુઆરી માસમાં તેના લગ્ન થવાના હતા.



