સુરતના રિંગરોડ પ્રોજેક્ટ માટે મનપાએ રાજ્ય સરકાર પાસે માગી ગ્રાન્ટ

અમદાવાદઃ સુરત શહેરમાં ઘણો જરૂરી માનવામાં આવતા રિંગ રોડ પ્રોજેક્ટમા માટે સુરત મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસેથી રૂ. 400 કરોડની ગ્રાન્ટ માગી હતી. મળતી માહિતી અનુસાર સુરત મનપાના અધિકારી અને પદાધિકારીઓ ગાંધીનગર ખાતે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈને આ સંદર્ભે મળ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ૧૭.૩૧ કિલોમીટર સુધી ફેલાયેલો છે અને તેનો ખર્ચ રૂ. ૪૮૬ કરોડ થવાનો અંદાજ છે, જેમાં રસ્તાના કામો, વાહનો માટે અંડરપાસ, ફ્લાયઓવર અને અન્ય માળખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે. જ્યારે આમાંના કેટલાક કામો પાછલા વર્ષોમાં પૂર્ણ થવાનું આયોજન હતું, પરંતુ અમુક કામ અધૂરાં રહી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અધિકારીઓએ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવાનો હેતુ રાખીને ટેન્ડરો બહાર પાડી કામ ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આ સુવિધા માટે આશરે ૩૦૦-૪૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટની વિનંતી કરી હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: વડોદરામાં રિંગરોડ થશે સુવિધાભર્યા : રિંગરોડ નિર્માણ માટે રાજ્ય સરકારે 316.78 કરોડ ફાળવ્યા
વર્ષ ૨૦૧૯માં શરૂ થયેલ આઉટર રિંગ રોડ પ્રોજેક્ટ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. અગાઉ, રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે આ પ્રોજેક્ટ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થશે, પરંતુ બે વર્ષ પછી પણ ઘણું કામ બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મનપાએ આ પ્રોજેક્ટ તબક્કાવાર હાથ ધર્યો છે, પરંતુ કામ ધીમી ગતિથી ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે વધારે સંસાધનોની જરૂર હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. રાજ્યએ અગાઉ ખાસ આર્થિક ક્ષેત્ર હેઠળ દક્ષિણ ક્ષેત્ર માટે ભંડોળ ફાળવ્યું હતું.



