સુરત મહાનગરપાલિકા લાવશે ગ્રીન બોન્ડ: ₹ 200 કરોડનો ઇસ્યુ 6 ઓક્ટોબરે ખુલશે, જાણો શું છે ખાસિયત | મુંબઈ સમાચાર
સુરત

સુરત મહાનગરપાલિકા લાવશે ગ્રીન બોન્ડ: ₹ 200 કરોડનો ઇસ્યુ 6 ઓક્ટોબરે ખુલશે, જાણો શું છે ખાસિયત

સુરતઃ મહાનગરપાલિકા દ્વારા 200 કરોડનો ઈસ્યુ લાવવામાં આવશે. આ ઈસ્યુ 6 ઓક્ટોબરથી ખૂલશે અને 10 ઓક્ટોબર સુધી સબસ્ક્રિપ્શન કરી શકાશે. આ પાંચ દિવસની અવધિ દરમિયાન માત્ર સુરત જ નહીં, પરંતુ દેશભરના રોકાણકારો તેમાં સબસ્ક્રાઇબ કરી શકશે. આ ઈસ્યુ દ્વારા 200 કરોડ એકત્ર કરવામાં આવશે. આ ગ્રીન બોન્ડ માટે જાહેર જનતાના સબસ્ક્રિપ્શનની તારીખોની સત્તાવાર જાહેરાત સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી.

શું છે આ બોન્ડની ખાસિયત

ગુજરાતમાં પ્રથમ વાર કોઈ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડમાં સામાન્ય રોકાણકારોને સીધું સબસ્ક્રાઇબ કરવાની તક આપવામાં આવશે, જે આ બોન્ડની ખાસિયત છે. 200 કરોડના આ ગ્રીન બોન્ડમાંથી એકત્ર કરાયેલી રકમનો ઉપયોગ માત્રને માત્ર પર્યાવરણીય પ્રોજેક્ટ્સમાં જ કરવામાં આવશે. પ્રથમ વખત સુરત મનપા બેન્કો કે ખાનગી ક્ષેત્રને બદલે સીધું જ જાહેર બજારમાંથી ભંડોળ મેળવી રહી છે. આ પગલું નાણાકીય સ્રોતોના વૈવિધ્યકરણ માટે એક મોડેલ પૂરું પાડે છે.

આ ઉપરાંત કોઈ મહાનગરપાલિકા દ્વારા શેરબજારમાં આ પ્રકારનો ગ્રીન બોન્ડ લોન્ચ કરવો, એ ભારતીય મ્યુનિસિપલ ફાઇનાન્સના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.સામાન્ય નાગરિકો માટે આ માત્ર રોકાણની તક નથી, પણ પોતાના શહેરના પર્યાવરણીય પ્રોજેક્ટ્સમાં સીધો ફાળો આપવાની અને ‘ગ્રીન’ પહેલોને ટેકો આપવાની તક છે. સુરત મનપાનો આ ગ્રીન બોન્ડ માત્ર સ્થાનિક પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકઠું કરવા પૂરતો સીમિત નથી, પરંતુ તે દેશની અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે પણ નવો રાહ ચિંધશે.

આપણ વાંચો:  સુરતના ઉધનાથી ઓડિશાના બહેરામપુર વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસને મોદી આપશે લીલી ઝંડી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button