સુરત મનપાએ ખાડી પૂરની સમસ્યાથી છુટકારો મેળવવા શું કર્યું આયોજન? જાણો વિગતો

સુરતઃ શહેર-જિલ્લામાં સારા વરસાદના કારણે દર વર્ષે ખાડી પૂરની સમસ્યા સર્જાય છે. તાજેતરમાં આવેલા ખાડી પૂરથી શહેરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ સમસ્યથી છુટકારો મેળવવા મનપા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. મળતી વિગત પ્રમાણે, સુરત શહેરમાંથી અને જિલ્લામાંથી પસાર થતી ખાડીની આજુબાજુ કોર્પોરેશનની જમીન, સરકારી જમીન અને સિંચાઈ વિભાગની જમીન આઇડેન્ટિફાય કરવાની સૂચના આપવામાં આવી હતી. ટેકનિકલ રીતે ખાડીના પાણી વહી શકે તેના માટેનો અભ્યાસ કરવામાં આવશે. ટેકનિકલ વિઝિબિલિટી અને તેના સોલ્યુશન ચકાસવા માટેની સૂચના આપવામાં આવી છે.
10 દિવસમાં રિપોર્ટ કરવાનો આદેશ
સુરત મનપાએ ખાડી પૂરની સમસ્યાથી કાયમી છુટકારો મેળવવા ખાસ આયોજન કર્યું હોવાનો દાવો કર્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે ખાડીનું જીઆઈએસ મેપિંગ કરવા, ખાડીના પાણીને અવરોધતા લોકેશનનો સર્વે કરી 10 દિવસમાં રિપોર્ટ કરવા સિંચાઈ વિભાગને આદેશ કરવામાં આવ્યો હતો.
ડ્રોન દ્વારા પણ સર્વે કરવામાં આવશે
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, સુરત શહેરમાં અને જિલ્લા વિસ્તારની અંદર ખાડીની અંદર દેખાતી રીતે અવરોધ હશે તેનો રિપોર્ટ તૈયાર કરશે અને તે રિપોર્ટના આધારે સુરત શહેરની અંદર જે વિસ્તાર હશે ત્યાં કોર્પોરેશન તેને દૂર કરવાની કામગીરી કરશે અને જિલ્લામાં જ્યાં અવરોધરૂપ હશે ત્યાં સિંચાઈ વિભાગ અને કલેક્ટર સંકલન કરીને કામગીરી કરશે. ફિઝિકલ ઇન્સ્પેક્શન અને ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવશે, જે સિંચાઈ વિભાગ દ્વારા થશે.
ધારાસભ્યએ મુખ્ય પ્રધાનને લખ્યો હતો પત્ર
સુરત શહેરમાં ખાડી પૂરની સમસ્યાના કાયમી નિવારણ માટે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો. કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું કે સુરતને ખાડી પૂરની પરિસ્થિતિમાંથી મુક્ત કરી શકાય તે માટે મથુરભાઈ સવાણીએ મુખ્ય પ્રધાન, સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને અધિકારીઓને પત્ર લખ્યો હતો. આ પત્ર સાથે ખાડી ડાઇવર્ટ કરવાના પ્લાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે ટોયલેટ સીટ બેસીને વર્ચ્યુઅલ સુનાવણીમાં ભાગ લેનારને 1 લાખનો દંડ ફટકાર્યો
કાનાણીએ મથુરભાઈના સૂચનોનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે તેમણે સૂચવેલી યોજના પ્રમાણે સર્વે કરી, શક્યતા તપાસી આ યોજના શક્ય છે કે કેમ? તે બાબતે આગળની કાર્યવાહી કરવી જોઈએ.