સુરત

સુરતની હોસ્પિટલો બનશે સંપૂર્ણ ‘પેપરલેસ’, દર્દીઓને મળશે ડિજિટલ આરોગ્ય સેવાઓ…

સુરત: સુરત મહાનગરપાલિકા નાગરિકોને વધુ સારી અને ઝડપી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવા જઈ રહી છે. એસએમસી સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ સહિત તમામ શહેરી આરોગ્ય કેન્દ્રો હવે સંપૂર્ણપણે “પેપરલેસ” બનશે, જે સમગ્ર ગુજરાતમાં આવું કરનાર પ્રથમ મહાનગરપાલિકા બની રહેશે. આ પહેલથી આરોગ્ય સેવાઓ વધુ ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ બનશે, તેમજ તમામ તબીબી માહિતીનો ડિજિટલ ડેટાબેઝ તૈયાર થશે.

જ્યારે પણ કોઈ દર્દી એસએમસી સંચાલિત હોસ્પિટલ કે અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર માટે જશે, ત્યારે તેમને પ્રથમ વખત કેસ કઢાવતી વખતે એક યુનિક નંબર સાથેનું લેમિનેટેડ ઈ-કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ અને યુનિક નંબરના આધારે ડોક્ટર દર્દીની તપાસ કરશે અને તમામ દવાઓનું પ્રિસ્ક્રિપ્શન તેમજ દર્દીની વિગતો ઓનલાઈન ડિજિટલ રેકોર્ડ પર લેવામાં આવશે. ત્યારબાદ, દર્દી માત્ર પોતાનો યુનિક નંબર બતાવીને દવા મેળવી શકશે, કારણ કે તેમની તમામ માહિતી સ્ટોર રૂમમાં ડિજિટલી ઉપલબ્ધ હશે.

આ સિસ્ટમ સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત હોસ્પિટલ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ (એએમઆઈએસ) હેઠળ અમલમાં મૂકવામાં આવી છે. આ સિસ્ટમના ઘણા ફાયદાઓ ગણાવવામાં આવી રહ્યા છે, જેમાં એસએમસીની વિવિધ આરોગ્ય સંસ્થાઓ એકબીજા સાથે જોડાશે અને જેનાથી દર્દીની સારવાર સિમલેસ બનશે અને ડેટાનું ડુપ્લિકેશન અટકશે. આ સિસ્ટમથી તબીબી ઇતિહાસ અને રિપોર્ટ્સ તત્કાળ ઉપલબ્ધ થવાથી ડોક્ટર ઝડપી નિર્ણય લઈ શકશે, અને રિપોર્ટ્સ, ડિસ્ચાર્જ જેવી કામગીરી ઝડપી બનશે.

તે ઉપરાંત મોબાઈલ એપ દ્વારા દર્દી પોતાનો હેલ્થ રેકોર્ડ, રિપોર્ટ્સ અને પ્રિસ્ક્રિપ્શન ગમે ત્યાંથી જોઈ શકશે. દરેક દર્દીને મળતા યુનિક હેલ્થ આઈડી દ્વારા તેમની તમામ આરોગ્ય માહિતી ટ્રેક કરી શકાશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button