સુરતમાં ડબલ સ્યુસાઈડઃ અલથાણમાં માતા-પુત્રએ 13મા માળેથી મોતની છલાંગ લગાવી

સુરતઃ શહેરમાં વધુ એક આપઘાતની ઘટના બની હતી. અલથાણ વિસ્તારમાં એક મહિલાએ તેના પુત્રને 13મા માળેથી ફેંક્યા બાદ પોતે પણ કૂદી પડી હતી. જેના કાણે બંનેના કમકમાટીભર્યા મોત થયા હતા. માતા-પુત્ર સોસાયટીમાં સ્થાપિત ગણપતિ દાદાની મૂર્તિથી માત્ર 20 ફૂટ દૂર જ પડ્યા હતા. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
મળતી વિગત પ્રમાણે, મૂળ મહેસાણાના વતની અને હાલ અલથાણ વિસ્તારમાં આવેલી માર્તન્ડ હિલ્સ બિલ્ડિંગમાં વિલેશકુમાર પટેલ, તેમની પત્ની પૂજા અને એકના એક પુત્ર સાથે છઠ્ઠા માળે રહેતા હતા. વિલેશકુમાર પટેલ લુમ્સનું કારખાનું ચલાવે છે. માતા પૂજા પુત્ર ક્રિશિવને સાથે લઈને સી-વિંગના 13મા માળે કપડાનું સ્ટિચિંગ કામ કરાવવા માટે ગઈ હતી. તેણી મનોમન આપઘાત કરવાના ઇરાદે ત્યાં પહોંચી હોવાનું લાગી રહ્યું છે. કારણ કે જેના ઘરે કપડાનું સ્ટિચિંગ કામ કરાવવા ગઇ હતી તેના ઘરનો દરવાજો બંધ હતો, જેથી પૂજાએ તેના ઘરનો બેલ વગાડ્યો હતો. બાદમાં આસપાસ કોઈ ન હોવાનું જાણીને તરત જ તેણે તેના પુત્ર ક્રિશિવને સાથે લઈને 13મા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ ઘટના એટલી ઝડપથી બની કે કોઈને સમજાયું નહીં કે શું થયું. બંને બિલ્ડિંગમાં સ્થાપિત શ્રીજીની મૂર્તિ સામે જ જમીન પર પડ્યાં હતાં.
આ અંગે જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને પૂજા તથા ક્રિશિવને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સુરતના જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા શિક્ષકે 2 વર્ષ અને 8 વર્ષના બે પુત્રને ઝેર આપી પોતે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી હતી, જેમાં પત્નીના લગ્નેતર સંબંધને પગલે મૃતકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.