
સુરતઃ મોડલ સુખપ્રીત કૌર આત્મહત્યા કેસમાં પોલીસે લિવ ઇન પાર્ટનરની ધરપકડ કરી હતી. મૃતકની બેગમાંથી પોલીસ અધિકારીને લખેલી અરજીમાં લિવ ઇન પાર્ટનર અને પ્રેમી મહેન્દ્ર રાજપૂતના અત્યાચાર અને બ્લેકમેઇલિંગથી કંટાળી મોડલ આપઘાત કરવા મજબૂર બની હતી. આરોપી મોડલને ઘરમાં ગોંધી રાખતો હતો અને મારઝૂડ કરી હાથ પર બ્લેડના ઘા મારતો હતો. આ ઉપરાંત પગના ભાગે ડામ પણ આપ્યા હતા.
મે 2025માં મોડલે આપઘાત કર્યા બાદ તેના પરિવારજનો જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને મધ્ય પ્રદેશ લઈ ગયા હતા. ઉત્તરક્રિયા પૂરી થયા બાદ તેનો સામાન ચેક કરવામાં આવ્યો હતો. જેમાં બેગમાંથી સુખપ્રીત કૌરે હિન્દીમાં લખેલી અરજી મળી હતી. જેમાં તેણે મહેન્દ્ર રાજપૂત સામે ગંભીર આરોપ મૂક્યા હતા. મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરવા ઉપરાંત હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ આપ્યા હતા તેમ જ બ્લેકમેલ કરવામાં આવતી હતી.
આ પણ વાંચો: સુરતઃ 19 વર્ષીય મૉડલના આપઘાત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો…
લિવઈનમાં રહ્યાના મહિનામાં ત્રાસ આપવાનું ચાલુ
સ્યૂસાઈડ નોટમાં તેણે લખ્યું હતું કે, હું સુખપ્રીત સંધુ, હું સુરતમાં મુખ્ય મૉડલિંગ એજન્સીમાં મૉડેલ તરીકે કામ કરતી હતી, ત્યાં મારી મુલાકાત એક છોકરા મહેન્દ્ર રાજપૂત સાથે થઈ હતી. અમે સારાં મિત્રો બની ગયાં અને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યાં. લગભગ એક મહિના પછી તેણે મને ત્રાસ આપવાનું શરૂ કર્યું, હું તેનાથી નારાજ થઈ ગઈ અને તેને છોડી દીધો, પરંતુ તે મને સતત બ્લેકમેલ કરતો હતો કે મારા અંગત ફોટો ઇન્ટરનેટ પર અપલોડ કરીશ, જાનથી મારી નાખીશ તથા અપશબ્દો બોલીને મને બ્લેકમેઇલ કરતો હતો.
અંગત ફોટો નેટ પર અપલોડની ધમકી
તેણે મને તેના ફ્લેટમાં બોલાવી અને મને એક દિવસ સુધી ગોંધી રાખી હતી તેમ જ મારા હાથ, પગમાં બ્લેડના ઘા માર્યા અને મારપીટ કરી હતી. મારા પગમાં ડામ આપ્યા હતા. હું ત્યાંથી ભાગીને મારા ઘરે આવી હતી. આ બધા પછી તેણે મને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો મેં આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ અને તારા અંગત ફોટો ઈન્ટરનેટ પર અપલોડ કરી દેશે. તેણે મને આત્મહત્યા કરવા માટે પણ ઉશ્કેરી હતી.
ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો
આ અરજી મૉડલના પિતાએ પોલીસને સોંપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, મહેન્દ્રના ત્રાસથી મૃતક તેના વિરુદ્ધ અરજી લખી હતી. જોકે તે પોલીસ સુધી પહોંચી શકી નહોતી. લિવ ઇન પાર્ટનરના ત્રાસથી કંટાળી તેણે આ પગલું ભર્યું હોવાની મૉડલના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે જ્યારે મહેન્દ્રના ઘરે તપાસ કરી ત્યારે તે ઘરને લોક મારી ભાગી છૂટ્યો હતો. જોકે ચાર મહિના બાદ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થઈ શકે છે.