મર્સિડીઝ કારમાં આગ અને સોશિયલ મીડિયામાં ધમકી! સુરતની જાણીતી મોડેલે નોંધાવી ફરિયાદ, બેની ધરપકડ…

સુરતઃ સુરતમાં છાશવારે કોઈને કોઈ ક્રાઇમની ઘટના બનતી હોય છે. સુરતના વેસુ વિસ્તારમાં કેટલાક લોકોએ મર્સિડીઝ કારમાં આગ લગાવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વેસુ વિસ્તારમાં આવેલી હાઈ-પ્રોફાઈલ ગેલ કોલોનીમાં રહેતી જાણીતી મોડેલની મર્સિડીઝ કારમાં કોઈ અજાણ્યા લોકોએ આગ લગાડી દીધી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જે મામલે મોડેલ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
કારમાં આગ લગાડી હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
ગુજરાતના કારના માલિકે વેસુ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. વેસુ પોલીસ સ્ટેશને વ્યવસાયે મોડેલની મર્સિડીઝ કારને આગ લગાડવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યાં તેમાં જોઈ શકાય છે કે આ કાર સોસાયટીમાં પાર્ક કરેલી છે. અહીં મોઢા પર કપડું બાંધીને અને માથા પર ટોપી બાંધીને એક વ્યક્તિ અહીં પહોંચે છે અને બોટલમાં પોતાની સાથે લાવેલો જ્વલનશીલ પદાર્થ કાર પર નાખીને આગ લગાવી દે છે. કારમાં આગ લગાડીને આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયાં હતા. જોકે, પોલીસે તે બન્ને આરીપોની ધરપકડ કરી લીધી છે.
મોડેલે તેના પૂર્વ પ્રેમી સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી
મહત્વની વાત એ છે કે, આ મોડેલ એક જ દિવસમાં બે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મોડેલે તેના પૂર્વ પ્રેમી મિતેશ જૈન સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મિતેશ જૈન સામે ધમકી આપી હેરાન કરવા બાબતે અને સોશિયલ મીડિયામાં કથિત ફોટો વાયરલ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહીં પરંતુ પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે તે બન્ને આરોપી મોડેલના પૂર્વ પ્રેમી મિતેશના ભાઈબંધ હોવાનો પણ ખુલાસો થયો છે.
પોલીસે કારને આગ લગાવનારા બે આરોપીઓની ધરપકડ કરી
આ મોડેલ સુરતના વેસુ વિસ્તારની રહેવાસી છે અને ટેક્સટાઇલ મોડેલિંગ ક્ષેત્રમાં કામ કરે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે મોડેલે વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વેસુ પોલીસે કારને આગ લગાવનારા બે આરોપીઓની ધરપકડ કરી છે. વેસુ પોલીસે મર્સિડીઝ કાર સળગાવવાના કેસમાં સચુ રામાવતાર રાય અને તનીશ સુશાંત જૈનની ધરપકડ કરી છે. આ કેસમાં મોડેલે તેના પૂર્વ પ્રેમી પર અનેક આરોપ લગાવ્યાં છે. જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. મિતેશ જૈન સામે મોડેલે 2024માં દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. આ કેસમાં હજી પણ અનેક ખુલાસા થઈ શકે છે.