સુરત

સુરત માંગરોળ ગેંગરેપ કેસઃ કોર્ટે બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી

સુરતઃ શહેરના માંગરોળ બહુચર્ચિત ગેંગરેપ કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે બન્ને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપી મુન્ના કરબલી પાસવાન અને આરોપી સજીવન ઉર્ફે રાજુ સાબત વિશ્વકર્માને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. આ કેસનો એક આરોપી શિવ શંકર ચોરસિયાનું મોત થયું હતું. ઘટના બન્યાના માત્ર 72 કલાકમાં ત્રણ આરોપીઓ ધરપકડ થઈ હતી. 18 પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ 17 કલમો લગાવાઈ હતી. 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચૂકાદો આપ્યો હતો. સમગ્ર કેસ માત્ર એક મોટર સાયકલ પરથી ઉકેલાયો હતો. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે કેસ ચાલતાં પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. કોર્ટ સોમવારે બંને આરોપીઓને આજીવન કેદ ફટકારી હતી.

શું હતો મામલો
સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે 8 ઓક્ટોબર, 2024ના રોજ મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. તે સમયે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.

આ પણ વાંચો…મહેસાણા જ નહીં અમદાવાદીઓમાં પણ અમેરિકા ની ઘેલછાં, ત્રીજી બેચમાં શહેરના 9 લોકોનું આ રહ્યું લિસ્ટ

સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી હતી તેના આધારે બે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. સઘન તપાસ બાદ ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. તેમજ એફએસએલની ટીમે પણ સ્થળ પર તપાસ કરી હતી. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી. અંતે આ નરાધમોને સુરત કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button