સુરતના માંડવી ધર્માંતરણ કેસમાં વધુ એક શિક્ષિકા પોલીસ સકંજામાં, ઝડપાયેલા 6 પૈકી 4 તો સરકારી શિક્ષક

સુરતઃ માંડવી ધર્માંતરણ કેસમાં વધુ એક શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 4 સરકારી શિક્ષકો છે.
પોલીસ તપાસમાં મહિલા શિક્ષિકા મીનાબેન ચૌધરીનું નામ ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે મીનાબેન આદિવાસી યુવતીઓને આર્થિક લાલચ આપી ધર્મ અંગીકાર કરવા માટે મજબૂર કરતા હતા. પોતાની ધરપકડ થશે તેવી શંકા જતાં જ શિક્ષિકાએ ચાલાકી વાપરી પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કરી દીધો હતો, જેથી પોલીસને કોઈ મહત્વના પુરાવા ન મળી શકે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મીનાબેન આ રેકેટના મુખ્ય સૂત્રધાર ગણાતા ‘રામજી’ સાથે સીધા સંપર્કમાં હતા.
પોલીસે અગાઉ રાકેશ વસાવા નામના શિક્ષકની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં પકડાયેલા આરોપીઓની વિગત જોતા જણાય છે કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોનો ઉપયોગ કરીને ગરીબીનો લાભ ઉઠાવવામાં આવતો હતો. આર્થિક રીતે નબળા લોકોને ટાર્ગેટ બનાવી તેમને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરવામાં આવતા હતા.
આ રીતે ફૂટ્યો હતો ભાંડો
એક યુવતી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે આ ટોળકી દ્વારા તેને પ્રલોભન આપી ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો…સુરત ધર્મ પરિવર્તન કેસમાં સરકારી શિક્ષક અને ખેડૂત સહિત 4 આરોપી જેલભેગા; શું છે આ આખું નેટવર્ક?



