સુરતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત; દીકરી સાથે અડપલાંનાં કેસમાં થઈ હતી ધરપકડ…

સુરત: વરાછા પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં બંધ રાખવામાં આવેલા એક આરોપીનું મોત થયું છે. પોકસો અને રેપ સહિતનાં ગુનાનાં આરોપીએ પોતાના શર્ટથી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસ કસ્ટડીમાં જ આરોપીના આપઘાતથી પોલીસ વિભાગમાં દોધધામ મચી ગઈ હતી.
પોલીસ કસ્ટડીમાં આરોપીનો આપઘાત
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતનાં વરાછા પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં રહેલા દુષ્કર્મ કેસના આરોપીએ આપઘાત કરી લીધો હતો. વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં જ આરોપીએ પોતાના શર્ટથી ગળાફાસોં ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ લોકઅપમાં જ આરોપીનાં આપઘાતની ઘટના બનતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે આપ્યું નિવેદન
પોલીસે આપેલી વિગતો અનુસાર, પોક્સો અને કલમ 376 રેપના ગુનામાં પકડાયેલા આરોપીએ લોકઅપમાં આપઘાત કરી લીધો હતો. તે આરોપી વરાછાનો રહેવાસી છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી હતી. સરકારી પંચોની હાજરીમાં તેની ધરપકડની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન આરોપી બાથરૂમમાં ગયો હતો અને ત્યાં તેણે પોતાના શર્ટથી ગળાફાંસો ખાઈ લીધો હતો. અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતના આ શહેરો બાળકો-સગીરો માટે નથી સુરક્ષિત! સરકારી આંકડા જ હકીકત જણાવે છે
પોક્સો અને અડપલાં કરવાની ફરિયાદ
આરોપીનાં પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે અને નાની 17 વર્ષની દીકરી સાથે પિતાએ અડપલાં અને દુષ્કર્મ આચર્યું હોય તે અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને અડપલાં કરવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે 45 વર્ષીય પિતાને ઝડપી પાડ્યો હતો.