કાળ પણ થાપ ખાઈ ગયો! 10મા માળેથી પટકાયેલા આધેડ 8મા માળે હવામાં લટક્યા, થયો ચમત્કારિક બચાવ

સુરતઃ શહેરમાં નાતાલના દિવસે એક ચમત્કારિક ઘટના સામે આવી હતી. 10મા માળેથી પટકાયેલો વ્યક્તિ 8મા માળની બારીની ગ્રીલમાં ફસાયો હતો. જેના રૂવાંડા ઉભા કરી દેતા દ્રશ્યો વાયરલ થયા હતા. સુરત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
શું છે મામલો
શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી એક હાઇરાઇઝ બિલ્ડિંગના 10મા માળેથી નીચે પટકાયેલા એક આધેડ 8મા માળની બારીની જાળી અને છજા વચ્ચે ફસાઈ ગયા હતા. મોત અને જિંદગી વચ્ચે એક કલાક સુધી ઝૂલી રહેલી આ વ્યક્તિને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમે જે દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું એ જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ ઘટના સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી.
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નીતિન અડિયા નામના વ્યક્તિ તેમના એપાર્ટમેન્ટની બારી પાસે ઉભા હતા ત્યારે અકસ્માતે બહારની તરફ પટકાયા હતા. નીચે પડતી વખતે તેમનો પગ 8મા માળની બારીની ગ્રીલ અને બહારના પ્રોજેક્શનમાં ભરાઈ ગયો હતો, જેના કારણે તેઓ હવામાં લટકતી હાલતમાં ફસાઈ ગયા હતા.
ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયરના જવાનોએ પહેલા 8મા માળની ગ્રીલ કાપીને અંદર જવાનો રસ્તો બનાવ્યો હતો અને ત્યારબાદ 10મા માળેથી દોરડા અને સેફ્ટી બેલ્ટ વડે નીતિનભાઈને સુરક્ષિત રીતે બાંધી લીધા હતા.
લગભગ એક કલાકની સખત મહેનત અને સંકલિત પ્રયાસો બાદ, ફાયર ટીમે અડિયાને જીવતા બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. આ અકસ્માતમાં તેમને ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નીતિનભાઈ બારીમાંથી કેવી રીતે પડ્યા તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો…સુરતમાં ફાર્મહાઉસ-રીસોર્ટમાં ચાલતું હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ પકડાયું, 8 થાઈ યુવતી મળી, ભાવ 8000



