
સુરતઃ સુરત-સ્થિત એક જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્ય સભાના મેમ્બરે વર્લ્ડ કપ જીતનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હીરાજડિત ઘરેણાં અને સૉલર પૅનલ ભેટમાં આપવાની જાહેરાત કરી છે. આ ઉદ્યોપતિ એક જાણીતી પ્રાઇવેટ એક્સપોર્ટ કંપનીના સ્થાપક છે.
પીટીઆઇના અહેવાલ અનુસાર આ ઉદ્યોગપતિએ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના માનદ ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાને રવિવારે ફાઇનલ પહેલાં જ પત્ર મોકલ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે જો ભારતીય ટીમ વિશ્વ વિજેતાપદ મેળવશે તો ચૅમ્પિયન ટીમની દરેક ખેલાડીને હસ્ત કારીગરીથી બનેલી નૅચરલ ડાયમંડ જ્વેલરી તથા સૉલર પૅનલ આપવાની તેમની ઇચ્છા છે.
આપણ વાચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટેસ્ટ-વિજયની હૅટ-ટ્રિક: રેકૉર્ડ-બ્રેક મૅચ આસાનીથી જીતી લીધી
ઉદ્યોગપતિએ એવું પણ કહ્યું હતું કે તેઓ આ ભેટસોગાદ ખેલાડીઓની ટૅલન્ટ તથા સમર્થ-શક્તિને બિરદાવવાના આશયથી આપવા માગે છે.

ઉદ્યોગપતિએ જ્વેલરી ઉપરાંત રુફટૉપ સૉલર પૅનલ પણ આ ચૅમ્પિયન ખેલાડીઓને આપવાની જાહેરાત કરી હતી. એ વિશે ઉદ્યોગપતિનું એવું કહેવું હતું કે ` જેમ આ ખેલાડીઓ આપણા દેશને ગૌરવ અપાવવાની સાથે જગતના નકશા પર ચમકાવે છે એમ અમે તેમને સૌર્ય-શક્તિની પૅનલ આપીને ઇચ્છીએ છીએ કે તેમનું જીવન સદા રોશનીમય તથા ઉજ્જવળ રહે.’
હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમે રવિવારે નવી મુંબઈમાં ફાઇનલમાં સાઉથ આફ્રિકાની ટીમને બાવન રનથી હરાવી હતી. ઉદ્યોગપતિનું કહેવું છે કે આપણી ખેલાડીઓએ કરોડો ભારતીયોના દિલ જીતી લીધાં છે.



