સુરત

સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITની રેડમાં કેટલા કરોડ રોકડા મળ્યા? બીજું શું મળ્યું

સુરતઃ શહેરમાં લક્ષ્મી ગ્રુપ પર આઈટીની કાર્યવાહી સતત ચોથા દિવસે ચાલું રહી હતી. આ કાર્યવાહી સુરત શહેરની અત્યાર સુધીની સૌથી મોટી આઈટી કાર્યવાહી બની શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન આશરે 8 કરોડ રૂપિયાનાં સોના-ચાંદીના જવેલરી તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો કબ્જે લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત ચીખલી પાસે વારી એનર્જી ગ્રુપને જમીન આપનાર અનિલ બગદાણાના ઠેકાણે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં જો અન્યના નામે જમીન ખરીદવામાં આવી હોવાનો ખુલાસો થશે તો તેવી મિલકતો સરકાર હસ્તક લેવામાં આવશે. સમગ્ર પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પણ તપાસ થવાની શક્યતા છે. સાથે જ મોટા પાયે હવાલા મારફતે વિદેશમાં નાણાં મોકલવામાં આવ્યા હોવાની આશંકા વચ્ચે વિદેશી હવાલા કૌભાંડ મોટા પ્રમાણમાં બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

લક્ષ્મી ડાયમંડ ગ્રુપ સાથે સંકળાયેલી શેલ કંપનીઓ, જમીન વ્યવહારો, રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ અને મોટા રોકાણોની તપાસ વધુ ઊંડાણપૂર્વક આગળ વધારવામાં આવી રહી છે. તેમજ શેલ કંપનીઓ અને હાલની કંપનીઓની સાત વર્ષના હિસાબો પણ તપાસ હેઠળ લેવામાં આવ્યા હતા.

છેલ્લા ચાર દિવસથી સુરત, મુંબઈ સહિત કુલ 30થી વધુ સ્થળોએ ઈન્કમ ટેક્સની ડીઆઈ વિંગ દ્વારા એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 110 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છ. તપાસનું મુખ્ય કારણ જમીન ખરીદી, રિયલ એસ્ટેટમાં થયેલા મોટા સોદા તેમજ શેલ કંપનીઓ મારફતે ફંડ ટ્રાન્સફરની સંભાવનાઓ છે. આ કાર્યવાહી દરમિયાન વસંત ગજેરા, ચુની ગજેરા અને અશોક ગજેરા (લક્ષ્મી ડાયમંડ ગ્રુપ) સહિતના નામો તપાસના ઘેરામાં આવ્યા છે.

ઉપરાંત મહાદેવ ગ્રુપના જાણીતા બિલ્ડર અનિલ બગદાણા અને તેમના ભાગીદારોની ભૂમિકા અંગે પણ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. યુનિવર્સલ ગ્રુપ સાથેના સંબંધો અંગે પણ સકંજો કસાયો છે. તપાસ દરમિયાન પ્રવિણ ભૂત, આશિષ અગ્રવાલ, કિશોર ગોવલિયા તેમજ તરુણ-કિશન ભગતના નાણાકીય વ્યવહારો અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. મુંબઈ સ્થિત સંબંધીઓ ગિરધર અને રાકેશની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે.

આ મેગા ઓપરેશનમાં 40થી વધુ શેલ કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોવાની તપાસ પણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. કંપનીઓ મારફતે રોકાણ છુપાવવાના પ્રયાસો, નાણાંની હેરાફેરી અને ટેક્સ ચોરીના પુરાવા શોધવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જમીન ટોચ મર્યાદાના કાયદાથી બચવા માટે અન્ય લોકોના નામે જમીન ખરીદી બાદ તેને ‘બિનખેતી’ (NA) કરાવી પોતાના નામે કરાવવાના પ્રયાસો થયા હોવાની ચર્ચા છે. કર્મચારીએ અને અળખીતાઓને કરોડોના વ્યવહારો થયા હોવાની પણ તપાસ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ રીતે, હોંગકોંગ સહિત વિદેશી દેશોમાં હવાલા મારફતે નાણાં મોકલ્યા હોવાની પણ આશંકા સામે આવી છે.

તેમજ મિલેનિયમ માર્કેટના કેસ ટ્રાન્ઝેક્શન બાબતના હિસાબોની પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે અમાં એવી પણ વાત સામે આવી છેકે, 94 ટકા રૂપિયા બ્લેકમાં અને ગણતરીના જ રૂપિયા ચેક થી બતાવ્યા હોવાની તપાસ પણ ચાલી રહી છે. આ સમગ્ર મામલામાં ફરાર હીરા વેપારી મેહુલ ચોકસી સાથેના જૂના નાણાકીય વ્યવહારોની કડી પણ તપાસ હેઠળ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જાણકારોના મતે, જો નામ એકાઉન્ટમાં મોટા પાયે મની લોન્ડરિંગના પુરાવા સામે આવે તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ તપાસમાં જોડાય તેવી શક્યતા છે. હાલ સુધી આયકર વિભાગ દ્વારા સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ અધિકારીઓના મોટા કાફલા સાથે ચાલી રહેલી આ કાર્યવાહી આગામી દિવસોમાં વધુ વિસ્તરશે અને નવા ખુલાસા સામે આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણ લાંબુ ચાલે તેમ છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button