સુરતમાં લઠ્ઠાકાંડની આશંકા, તાડી પીવા ગયેલા યુવાનનું ભેદી મૃત્યુ…

સુરતઃ શહેરમાં લઠ્ઠાકાંડની આશંકા છે. ઇચ્છાપોર વિસ્તારમાં તાડી પાવી ગયેલા 18 વર્ષીય યુવકનું ભેદી મૃત્યુ થતાં ચકચાર મચી ઘગઈ હતી. યુવકના મૃત્યુ બાદ પરિવારજનોએ તાડી વેચનારના ઘરે જઈને જનતા રેડ કરી હતી. જેમાં અડ્ડા પરથી કેમિકલ અને સફેદ રંગની બોટલો મળતા લઠ્ઠાકાંડની આશંકા પણ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.
મળતી વિગત પ્રમાણે, ઈચ્છાપોરના ભાઠાગામમાં રહેતો 18 વર્ષીય યુવક તેના મિત્રો સાથે તાડી પીવા માટે ગયો હતો. તાડી પીતી વખતે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં ગાળા ગાળી તઈ હતી. જેણે ઝઘડાનું સ્વરૂપ લીધું હતું અને બાદમાં મારામારી થઈ હતી. જે બાદ યુવક અચાનક ઢળી પડ્યો હતો. આ બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો.
જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મૃત્યુના કારણે પરિવારજનો અને ગામ લોકો રોષે ભરાયા હતા અને તોડીના અડ્ડા પર ધસી આવ્યા હતા. જોકે પરિસ્થિતિ પામી ગયેલો તાડી વેચનારો ઘર છોડીને નાસી ગયો હતો.
લોકોએ તાડી વેચનારાના ઘરની અંદર પ્રવેશ કરીને જનતા રેડ કરી હતી. ઘરમાંથી કોથળીઓમાં પેક કરેલી તાડી અને તાડી બનાવવાનો સામાન મળ્યો હતો. સ્થાનિકો દ્વારા તાડીમાં કેમિકલનો ઉપયોગ થયો હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2022માં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ અને આસપાસના ગામડાઓમાં તેમજ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના કેટલાક વિસ્તારોમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક40 થી વધુ નોંધાયો હતો. આ ઉપરાંત, ઘણા લોકો બીમાર પડ્યા હતા અને તેઓને ભાવનગર અને અમદાવાદની સિવિલ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.