
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં હીરા કામદારોને હનીટ્રેપમાં ફસાવી મસમોટી રકમ પડાવતી 29 ગેંગ સક્રિય હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. ગેંગના સભ્યો સોશિયલ મીડિયા અને લિફ્ટ મેળવવાના બહાને હીરા કામદારોને ટાર્ગેટ કરતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
સુરતમાં રત્ન કલાકારોને જ હનીટ્રેપમાં ફસાવી મસમોટી રકમ પડાવતી મશરૂ ગેંગનો અઠવાડિયા પહેલાં પર્દાફાશ થયા બાદ અત્યાર સુધીમાં ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોકે આ ગેંગનો ભોગ બનેલા લોકોની સંખ્યા વધારે છે, જ્યારે અમુક લોકો સમાજમાં ઈજ્જત જવાના ડરે પણ સામે આવ્યા નથી.
એક રત્ન કલાકારને હનીટ્રેપમાં ફસાવી ખંડણી વસૂલવા આવેલો ગેંગનો સાગરીત સીસીટીવીમાં કેદ થયો હતો. એમાં ફરિયાદી પૈસા લેવા માટે તેના મિત્રની ઓફિસ પર આવ્યો હતો. આ સમયે આરોપી પણ ફરિયાદીની સાથે રહે છે.
ફરિયાદીએ તેના મિત્ર પાસેથી 40 હજાર રૂપિયા ઉછીના લઈને આરોપીને આપ્યા હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જે આ કેસમાં મહત્ત્વનો પુરાવો સાબિત થઈ હતી.
આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે સુરતમાં છેલ્લા કેટલાક દિવસની અંદર અમે મશરૂ ગેંગ સામે ત્રણ ફરિયાદ દાખલ કરી હતી. અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે 29 જેટલી હનીટ્રેપ ગેંગ સક્રિય છે. આ તમામ ગેંગના લોકો પણ અમારા રડારમાં છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આપણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનોખી પહેલઃ હનીટ્રેપ – ડિજિટલ એરેસ્ટ પર થશે રિસર્ચ
તેમણે ઉમેર્યું કે સારી હીરાની કંપનીઓમાં રત્નકલાકાર તરીકે નોકરી કરનાર લોકોને આ ગેંગના લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓ થકી મિત્રતા કરાવતા હતા અથવા તો જ્યારે રત્નકલાકાર રસ્તા પરથી પસાર થાય છે ત્યારે આવી મહિલાઓને લિફ્ટ આપવાના બહાને ટ્રેપમાં ફસાવતી હતી.
જ્યારે રત્નકલાકાર શારીરિક સંબંધ બાંધે અથવા તો પ્રયાસ કરે ત્યારે આ ટોળકી ત્યાં પહોંચી જતી અને ત્યાર બાદ વીડિયો બનાવીને બ્લેકમેલ કરતા હતા.
મોટા ભાગના કિસ્સામાં આ લોકો પોતાની ઓળખ મીડિયાકર્મી અથવા પત્રકાર તરીકે આપતા હતા. કેટલાક કિસ્સાઓમાં પોલીસનાં ઓળખકાર્ડ અને હાથકડી પણ લઈને પહોંચી જતા હતા. જ્યારે મહિલા દ્વારા હનીટ્રેપ સફળતાપૂર્વક ગોઠવાઈ જતી, ત્યારે ગેંગના પુરુષ સભ્યો કોડવર્ડ ભાષામાં પેપર પહોંચી ગયું છે એવા સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરતા હતા.