સુરતમાં મહિલાએ મિત્રતા કેળવી યુવકને ફ્લેટ પર મળવા બોલાવ્યો ને પછી…
સુરત

સુરતમાં મહિલાએ મિત્રતા કેળવી યુવકને ફ્લેટ પર મળવા બોલાવ્યો ને પછી…

સુરતઃ શહેરમાં ભોળા લોકોને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી કુખ્યાત ‘મશરૂમ ગેંગ’નો પર્દાફાશ થયો હતો. SOGએ આ ગેંગના મુખ્ય સૂત્રધાર, બે સગા ભાઈઓ અમિત મશરૂ અને સુમિત મશરૂ, તેમજ તેમની મહિલા સાથી અસ્મિતા ભરડવાને ઝડપી પાડ્યા હતા. આ ગેંગ મહિલાઓ મારફતે શિકાર નક્કી કરતી હતી. ત્યારબાદ, પોતાને પોલીસ અધિકારી ગણાવીને દરોડા પાડતી અને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી મોટી ખંડણી વસૂલતી હતી.

મિત્રતા કેળવી યુવકને ફ્લેટ પર બોલાવ્યો
ઝડપાયેલ મહિલા અસ્મિતા અગાઉ હીરા ફેક્ટરીમાં કામ કરતી હતી. તેણે તેના પૂર્વ સહકર્મી મનોજ માણીયા સાથે મિત્રતા કેળવી અને તેને પોતાના ફ્લેટ પર બોલાવ્યો હતો. મનોજ મહિલા સાથે રૂમમાં હતો, ત્યાં પહેલેથી જ હાજર ગેંગના સભ્યો સુમિત, અલ્પેશ અને અન્ય લોકો પહોંચી ગયા અને પોતાને પોલીસકર્મી ગણાવીને દરોડો પાડ્યો હતો. નકલી પોલીસ ઓળખપત્ર અને હાથકડી બતાવીને તેમણે મનોજને પકડી લીધો અને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ. 20 લાખની માંગણી કરી હતી.

ગેંગ લાંબા સમયથી હનીટ્રેપની ઘટનાઓને અંજામ આપતી હતી
મનોજે સમાજમાં બદનામીના ડરથી શરૂઆતમાં ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. પરંતુ બાદમાં મામલાની ગંભીરતા જોતા કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી નકલી પોલીસ આઈડી, હાથકડી અને મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ લાંબા સમયથી હનીટ્રેપની ઘટનાઓને અંજામ આપી રહી હતી.

અમિત મશરૂ અને સુમિત મશરૂનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો હતો. તેમની વિરુદ્ધ સુરતના અનેક પોલીસ સ્ટેશનોમાં ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગની ધરપકડથી સુરતમાં હનીટ્રેપ દ્વારા થતી છેતરપિંડીની મોટી કાવતરાનો પર્દાફાશ થયો હતો.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button