સુરતમાં આભ ફાટ્યુંઃ સાડા આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર, સ્કૂલ રજા જાહેર…

સુરત: રાજ્યના અનેક જિલ્લામાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું હતું. આ દરમિયાન સુરતમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, આજે સવારથી શરૂ થયેલા વરસાદથી સુરતના જનજીવન પર વધુ અસર થઈ છે. આજે બપોરે બે વાગ્યા સુધીમાં 8.66 ઇંચ જેટલો વરસાદ પડવાથી શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
સવારે આઠ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર 2 કલાકમાં જ શહેરમાં સાડા પાંચ ઇંચ (5.31 ઇંચ) જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યાર બાદ દસથી 12 વાગ્યા દરમિયાન વધુ 1.57 ઇંચ અને 12થી 2 વાગ્યા દરમિયાન 1.41 ઇંચ વરસાદ નોંધાતા, કુલ 6 કલાકમાં લગભગ 9 ઇંચ જેટલો (8.66 ઇંચ) વરસાદ વરસી ચૂક્યો છે. આ અતિભારે વરસાદને કારણે શહેરમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેનાથી સામાન્ય જનજીવન પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી જતાં લોકો ચિંતામાં મુકાયા છે. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે.
શાળાઓમાં રજા જાહેર
વહેલી સવારે વરસેલા અતિભારે વરસાદને પગલે તંત્ર પણ સક્રિય બન્યું હતું. જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોરની પાળીના બાળકોને રજા આપવા માટે શાળાઓને સૂચન કર્યું હતું. પરિણામે, સુરત શહેરની મોટાભાગની શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી હતી.