સુરતમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત, વધુ ત્રણ લોકોનાં મોત
Surat News: ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની સાથે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સુરતમાં વધુ ત્રણ લોકોના અચાનક મોત થયા હતા. સચિન જીઆઈડીસી અને પુણાગામમાં જમીને સૂઈ ગયા બાદ બે યુવકો ઉઠ્યા જ નહોતા. બંને યુવકોનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની શક્યતા છે. જ્યારે કામરેજમાં હીરાના કારખાનામાં કામ કરતી વખતે ઢળી પડેલા રત્ન કલાકારનું પણ મોત થયું હતું.
અમરેલીના સાવરકુંડલાના વતની અને પુણા ગામમાં રહેતા પ્રકાશ બેરડીયા (ઉ.વ.41) સફાઇ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાત્રે તે જમીને સૂઈ ગયા હતા, ત્યારબાદ ઉઠ્યા જ નહોતા. કામરેજના નવાગામ સૌરાષ્ટ્ર રો-હાઉસમાં રહેતા પ્રકાશ માવાણી (ઉ.વ.39) હીરાના કારખાનમાં કામ કરતા હતા. તે ફરજ પર હાજર હતા ત્યાર અચાનક ઢળી પડ્યા હતા. તેને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
ત્રીજા બનાવમાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સચિન જીઆઈડીસી ગીતાનગરમાં રહેતો વિજય પટેલ (ઉ.વ.27) સંચા ખાતામાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો. નોકરી પરથી આવીને જમીન ઉંઘી ગયો હતો, જે બાદ નહીં ઉઠતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદની ઝેબર સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને અચાનક છાતીમાં દુઃખાવો થતાં તે ખુરશી પર બેઠી હતી અને ઢળી પડી હતી. તેને તરત ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના પાછળનું પ્રાથમિક તારણ કાર્ડિયાર્ક એરેસ્ટ હોવાનું માલુમ પડ્યું હતું