100 કરોડના USDT કૌભાંડ: EDના અમદાવાદ, સુરત, મુંબઈમાં દરોડા...
સુરત

100 કરોડના USDT કૌભાંડ: EDના અમદાવાદ, સુરત, મુંબઈમાં દરોડા…

કૌભાંડના તાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી લંબાયેલા હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદ: સુરતમાં 100 કરોડ રૂપિયાથી વધુના હવાલા-યુએસડીટી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ચોથા દિવસે પણ દરોડા યથાવત્ રહ્યા હતા. આ કેસમાં માત્ર ગેરકાયદેસર ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર સાથોસાથ આંગડિયાની સ્લીપ અને આંગડિયાના ટોકન તરીકે 1 અને 10ની નોટના ફોટા જે હવાલામાં વપરાય છે, તેની પણ તપાસ એજન્સીઓ માટે રહસ્યમય સંકેત બનીને બહાર આવી છે, જેને ડિકોડ કરવાના ઈડી પ્રયાસ કરી રહી છે.

આ કૌભાંડના તાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી લંબાયેલા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. સાયબર ફ્રોડમાં વિદેશમાં ગયેલી જંગી રકમનો સોર્સ અને ચેનલ શોધી કાઢવા માટે અને તે ઉપરાંત લાભકર્તાઓને પકડવાના ઈરાદે સમગ્ર ઓપરેશન હાથ ધર્યું છે.

સુરત, અમદાવાદ અને મુંબઈમાં ઈડી દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોપીઓના મોબાઈલ ફોનમાંથી મળેલા ડિજિટલ પુરાવા, ખાસ કરીને વોટ્સએપ ચેટ્સ અને ક્રિપ્ટોકરન્સી એપ્લિકેશન્સ આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરી રહ્યા છે. જેની સતત તપાસ ઈડી દ્વારા કરવામાં આવી રહી છે.

આરોપી માઝ અબ્દુલરહીમ નાડાના મોબાઈલ ફોનમાંથી “ઓફિસ પ્રાઈવેટ ગ્રુપ” નામનું વોટ્સએપ ગ્રુપ મળી આવ્યું છે, જેમાં “કાસિફ ડોક્ટર” અને “માઝ નાડા” નામના મોબાઈલ નંબર એડ હતા. આ ગ્રુપમાં રોજેરોજનો હિસાબ જાણવામાં આવતો હતો. આ ઉપરાંત, “મહેશભાઈ” નામથી સેવ મોબાઈલ નંબર સાથે યુએસડીટી લે-વેચ, આંગડિયાની સ્લીપ અને આંગડિયાના ટોકન તરીકે 1 અને 10ની નોટના ફોટા મોકલેલા જણાયા છે.

આ સિવાય, અલગ-અલગ મોબાઈલ નંબર સાથે યુએસડીટી લે-વેચ અને રૂપિયાની લેવડ-દેવડ બાબતેની વાતચીત પણ થયેલી જોવા મળી છે. આ આંગડિયાના ટોકન તરીકે 1 અને 10ની નોટોના ફોટા મળવાએ હવાલા કૌભાંડમાં નાનામાં-નાની રકમની લેવડદેવડ અને તેના પુરાવા છુપાવવાના પ્રયાસો દર્શાવે છે.

મુખ્ય આરોપી મકબુલ ડોકટર સહિત ચાર આરોપીઓના ઘરે અને ઓફિસે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ઈડીને 27 બેંક એકાઉન્ટ અને 500થી વધુ સિમકાર્ડ મળી આવ્યા છે. બે કરંટ એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની પણ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં વિદેશ ટ્રાન્સફર થયેલા રૂપિયા અંગે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓ લોકોને મહિને રૂપિયા 10 થી 12 હજાર આપી તેમના સેવિંગ્સ-એકાઉન્ટ લઈ અન્ય લોકો સાથે ઠગાઈ કરતા હતા. ઉપરાંત પોલીસ અને તપાસ એજન્સીઓના નામે ડિજિટલ એરેસ્ટ, નકલી સમન્સ-કોલ કરી નિર્દોશ લોકો સાથે ઠગાઈ કરતા હતા. આમ 100 કરોડથી વધુનો સાઇબર ફોડ કરવામાં આવ્યો હતો.

Back to top button