સુરત

Surat મા એક્શન પ્લાનની ખાતરી બાદ પણ ઉકેલ નહીં આવતા, 30મી માર્ચે રત્નકલાકારોની હડતાળ…

અમદાવાદઃ સુરતમાં(Surat)રત્નકલાકારોની સ્થિતિ કફોડી બનતાં અગાઉ હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યાર બાદ સરકાર સાથે બેઠક થઈ હતી અને સરકારે બે દિવસમાં એક્શનપ્લાન તૈયાર કરવાની ખાતરી આપી હતી. પરંતુ હજી સુધી કોઈ નિર્ણય નહીં લેવાતા સુરતના ડાયમંડ વર્કર યુનિયને ઉગ્ર આંદોલનની ચેતવણી આપી હતી. જેથી આગામી 30મી માર્ચે રત્નકલાકારોએ હડતાળ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી છે.

કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના રત્નકલાકારો દ્વારા આગામી 30 માર્ચે હડતાળ અને કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીની એકતા રેલીનું એલાન કરાયું છે. આ હડતાળમાં વધુમાં વધુ રત્નકલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર અપીલ કરવામાં આવી છે. તે ઉપરાંત કતારગામ વિસ્તારમાં સ્થિત કારખાનાઓમાં ઢોલ વગાડીને હડતાળમાં જોડાવા અપીલ કરાઈ છે. આ માટે હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યાં છે.

સુરતના ડાયમંડ વર્કર યુનિયને ગત 10મી માર્ચે સુરત કલેક્ટરને આવેદન આપી રત્નકલાકારોની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. તે છતાંય કોઈ ઉકેલ નહીં આવતાં 30 મી માર્ચે હડતાળ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં અપીલ કરાઈ છે કે, તમામ એકજૂટ થઈને આગળ આવશે તો જ આપણા પ્રશ્નો ઉકેલાશે.

આ પણ વાંચો : સુરતમાં મનપા કમિશ્નરનો વિરોધ કરી હંગામો મચાવનાર વિપક્ષના 9 કોર્પોરેટર સામે ગુનો નોંધાયો…

હીરા ઉદ્યોગ અને કામદારોને ટેકો આપવો જોઈએ

ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકએ મીડિયાને કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. અનેક રત્નકલાકારો રોજગાર અને જીવન ગુમાવી રહ્યા છે. આર્થિક સંકળામણના કારણે આપઘાતના બનાવો વધી રહ્યા છે. ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોને હડતાલમાં અને એકતા રેલીમાં જોડાવાનું આહ્વાન કર્યું છે. સુરતના સાંસદ મુકેશ દલાલે લોકસભામાં હીરા ઉધોગની મંદીને લઈ મુદ્દો ઉઠાવ્યો હતો. 20થી 25 લાખ હીરા કામદારો બેરોજગાર બન્યા છે તો સરકારે હીરા ઉદ્યોગ અને કામદારોને ટેકો આપવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button