Suratમાં ક્રિકેટ રમવાની બાબતે વિવાદ વકરતા ફાયરિંગ, ત્રણ લોકો ઘાયલ
અમદાવાદ : સુરતમાં(Surat Firing) ક્રિકેટની રમવાની બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ લેતા ફાયરિંગની ઘટના બની હતી.જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના પલસાણા વિસ્તારના ટુંડી ગામે આવેલી દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવા બાબતે થયેલી મારામારી હિંસક બની હતી. આ લડાઈ દરમિયાન એક વ્યક્તિએ તેના પરિવારના બચાવમાં લાઇસન્સવાળી બંદૂકથી ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ બનાવની જાણ થતા જ પલસાણા પોલીસ મથકે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી વ્યાપી છે.
આ ઘટના 29મી ડિસેમ્બરની રાત્રે કૃષ્ણનગર સોસાયટીમાં ક્રિકેટ રમતા વિકાસ તોમર અને સ્વયમ ગોસ્વામી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદ વધતાં ગોસ્વામીના પરિવારના સભ્યો પોતે વિકાસના ઘરે પહોંચ્યા હતા. જ્યારે વાતચીત દરમિયાન વાતાવરણ ગરમાયું હતું અને બાદમાં મારામારી થઈ હતી.
આ પણ વાંચો…સુરતના યુવકને Social Media માં ફેમસ થવાનો ક્રેઝ ભારે પડ્યો, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
લાઇસન્સવાળી બંદૂકથી ફાયરિંગ
જોકે, આ લડાઈ વચ્ચે વિકાસ તોમરે તેના પિતાની લાઇસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે મારામારી દરમિયાન સોસાયટીમાં ભીડ એકઠી થઈ ગઈ હતી અને ઘરને ઘેરી લીધું હતું.
એફએસએલની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા
પલસાણા પોલીસના ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે ક્રિકેટની લડાઈથી શરૂ થયેલો વિવાદ વાતચીત દરમિયાન વધી ગયો હતો. ઇજાગ્રસ્તોની હાલત સ્થિર છે અને પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. સોમવારે એફએસએલની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા હતા.