
સુરતઃ ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતા સુરતમાં લાખોની સંખ્યામાં લોકો મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં રોજગાર મેળવે છે. આ વિશાળ કાર્યબળને સામાજિક સુરક્ષા પૂરી પાડવા અને નવા રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે મહત્વકાંક્ષી રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજના મંજૂર કરી હતી. આ યોજનાનો લાભ નવા કર્મચારીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સુરત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કાર્યાલય દ્વારા 8 ટીમ બનાવી એક સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત, તાપી અને નવસારીના ઔદ્યોગિક અને ઉત્પાદન કેન્દ્રોમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હજુ પણ અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત છે. આ યોજનાથી કર્મચારીઓને સંગઠિત ક્ષેત્રમાં લાવવામાં મદદ મળશે, જેથી તેમને સામાજિક સુરક્ષા, પેન્શન અને ભવિષ્ય નિધિ જેવી સુવિધાઓ મળી શકે. આનાથી માત્ર કર્મચારીઓની જીવનગુણવત્તા જ નહીં સુધરે, પરંતુ નોકરીદારોને પણ કેન્દ્ર સરકાર તરફથી સીધી પ્રોત્સાહન રકમ મળશે, જે તેમની કામગીરી અને વિસ્તરણમાં મદદરૂપ થશે. સુરત ઈપીએફઓ કાર્યાલય દ્વારા આ યોજનાના સફળ અમલ માટે વ્યાપક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં વિવિધ સેમિનાર, કાર્યશાળાઓ, ઉદ્યોગ સંઘો સાથે સંવાદ અને પ્રચાર અભિયાનોનો સમાવેશ થાય છે. સુરત પીએફ ઓફિસ દ્વારા ઉદ્યોગકારોને રૂબરૂ મળીને યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. નવા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે આઠ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો સ્થાનિક ઉદ્યોગોની સગવડ માટે યોજનાની તમામ શરતો, લાભો અને અરજી પ્રક્રિયાઓમાં મદદ કરી રહી છે.