સુરતમાં એન્જિનિયર 50,000 રુપિયાની લાંચ લેતા ઝડપાયો, જાણો કારણ?

સુરતઃ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા લાંચિયા લોકો સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે તેમ છતાં કેટલાક અધિકારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. સુરતમાંથી નાયબ કાર્યપાલક ઇજનેર રૂ. 50 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. પ્લોટનાં શેડની ડિમોલેશનની પરવાનગી આપવાની કાર્યવાહી આપવા બદલ તેણે લાંચ માંગી હતી.
શું છે મામલો
ફરિયાદીના સુરત ભાટપોર જી.આઇ.ડી.સી.માં બે પ્લોટ ઔદ્યોગિક હેતું માટેનાં આવેલા હતા. જી.આઇ.ડી.સી.નાં જૂના બનેલા શેડનું ડિમોલેશન કરવાનું હોય તેમણે જરૂરી મંજૂરી મેળવવા અરજી કરી હતી, જે બન્ને પ્લોટનાં શેડની ડિમોલેશનની પરવાનગી આપવાની કાર્યવાહી કરી આપવાનાં અવેજ પેટે નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઇ પટેલ (ઉ.વ.૩૮)એ રૂ.૫૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
આપણ વાંચો: બેન્કને મકાનનો કબજો આપવાના બદલામાં ₹25,000 માંગ્યા: આણંદમાં કોર્ટનો સુપ્રિટેન્ડેન્ટ લાંચ લેતા ઝડપાયો
જે લાંચની રકમ તેઓ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. તેમની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિમલ પટેલ હેતુલક્ષી વાતચીત કરી ૫૦,૦૦૦ રુપિયાની લાંચની રકમ સ્વીકારતા સ્થળ ઉપર પકડાયા હતા.
બે દિવસ પહેલા પણ કાલોલ મામલતદાર કચેરીના રેકર્ડ શાખાના કરાર આધારિત પટાવાળાએ જરૂરી નકલો કાઢી આપવા માટે 400 રૂની લાંચ માંગી હતી. ગોધરા એસીબી પોલીસના છટકામાં લાંચિયો પાટાવાળો કચેરીના રેકર્ડ શાખામાં 400 રૂની લાંચ લેતા પકડાયો હતો.