UPDATE: સુરતના ડૉક્ટરે હોટલમાં જઈને આપઘાત કર્યો, બે પેજની સુસાઈડ નોટમાં શું લખ્યું ?

સુરતઃ શહેરમાં એક ડૉક્ટરે હોટલમાં જઈને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા તેણે બે પેજની સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં ડોક્ટરે તેમની પત્નીનો ફોટો દોર્યો હતો અને તેની નીચે “આઈ લવ ધારા” લખ્યું હતું, જ્યારે બીજા પાના પર તેમણે ફક્ત ‘ન્યાય’ લખ્યું હતું. તેમની પત્ની ધારા એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે.
કેવી રીતે પડી ખબર
33 વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ, મૂળ રાજુલાના રહેવાસી અને સુરતના રહેવાસી, ડિંડોલી વિસ્તારના દેલાડવા સ્થિત મહા ખોડિયારનગર રેસીડેન્સીમાં રહેતા હતા. ડૉ. ભાવેશના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. તેમની પત્ની છેલ્લા એક વર્ષથી અમદાવાદમાં રહે છે.
ડૉ. ભાવેશને કોઈ સંતાન નહોતું અને તેઓ કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડૉક્ટર તરીકે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે શહેરના ગોડાદરામાં હોટેલ નેસ્ટના રૂમ નંબર 8 માં ઇન્જેક્શન લગાવીને આત્મહત્યા કરી હતી. ડોક્ટરે એક દિવસ માટે હોટેલમાં ચેક ઇન કર્યું હતું. ચેક-આઉટનો સમય વીતી ગયો હોવા છતાં, ડૉ. ભાવેશ ચેક-આઉટ નહોતા કર્યા.
જ્યારે ડૉ. ભાવેશ ચેક-આઉટ નહોતા કર્યા, ત્યારે હોટેલ સ્ટાફે તેમની પૂછપરછ માટે રૂમમાં ફોન કર્યો. કોઈ જવાબ ન મળતાં, તેઓ રૂમમાં ગયા અને દરવાજો ખખડાવ્યો. જ્યારે દરવાજો ન ખુલ્યો, ત્યારે તેમને શંકા ગઈ અને તેમણે પોલીસને જાણ કરી. ત્યારબાદ ગોડાદરા પોલીસ હોટલ પર પહોંચી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો.
ફોરેન્સિક ઓટોપ્સીમાં શું આવ્યું સામે
જ્યારે પોલીસે દરવાજો ખોલ્યો, ત્યારે ડૉ. ભાવેશ મૃત હાલતમાં મળી આવ્યા. મૃતદેહ સાથે, એક ઇન્જેક્શન અને દવાની શીશી પણ મળી આવી હતી, જે દર્શાવે છે કે તેણે દવાનું ઇન્જેક્શન આપીને આત્મહત્યા કરી હતી. જે બાદ પોસ્ટ મોર્ટમ અને ફોરેન્સિક ઓટોપ્સી કરવામાં આવી હતી.
ફોરેન્સિક ઓટોપ્સી કરનાર ડૉક્ટરના જણાવ્યા મુજબ, ડૉ. ભાવેશે ઇન્જેક્શન દ્વારા એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધો હતો. તેમણે હોટલના રૂમમાં પોતાના ડાબા હાથમાં ઇન્જેક્શન લગાવીને આત્મહત્યા કરી હતી.



