સુરતમાં શિક્ષણના ભાર તળે કચડાઈ રહી છે વિદ્યાર્થિનીઓ? ત્રણ દિવસમાં બીજી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

સુરતઃ શહેરમાં વધુ એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. ડીંડોલી વિસ્તારમાં ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સવારે પરિવારના સભ્યો ઉંઘતા હતા, ત્યારે આ વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિદ્યાર્થિનીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેના પિતાએ જણાવ્યું કે, સવારે 5.30 કલાકે ઉઠીને જોયું તો દીકરીએ આપઘાત કરી લીધો હતો. કોઈપણ બાળકે આવું પગલું ન ભરવું જોઈએ. બધું નોર્મલ હતું અને અમને તેણે કંઈ જણાવ્યું નથી. તેણે મને કીધું હતું કે, પપ્પા મારે ડોક્ટર બનવું છે. અમે તેને ગમે તેમ કરીને ભણાવતા હતા.
અલથાણમાં બે દિવસ પહેલા વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો હતો
ઉલ્લેખનીય છે કે સુરતમાં બે દિવસ પહેલા જ અલથાણ વિસ્તારમાં રહેતા કથાકારની પુત્રી ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. તેણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. વિદ્યાર્થિનીના પિતા ધાર્મિક પ્રસંગે કથા કરવા માટે બહાર ગયા હતા અને ઘરે કોઈ હાજર નહોતું ત્યારે તેણે આ પગલું ભર્યું હતું. પરિવારના અન્ય સભ્યોએ જ્યારે લટકતી જોઈ ત્યારે પોલીસને જાણ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવેવી વિગત પ્રમાણે, વિદ્યાર્થિની આગામી ધોરણ-12ની બોર્ડની પરીક્ષા અને મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નીટ) ની પરીક્ષાને લઈને છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં હતી. પોલીસે મૃતક વિદ્યાર્થિનીની બહેનપણીઓના નિવેદન નોંધ્યા છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે તે ભણતરમાં તેજસ્વી હોવા છતાં બંને મહત્વની પરીક્ષાઓ એકસાથે આવતી હોવાથી ગભરાયેલી રહેતી હતી.
વિદ્યાર્થીઓના આપઘાત રોકવા સરકારે જાહેર કરી હતી ગાઈડલાઈન
રાજ્યમાં વિદ્યાર્થીઓમાં આપઘાતની સંખ્યા સતત વધી રહી છે. જેને રોકવા માટે શિક્ષણ વિભાગે તાજેતરમાં તમામ યુનિવર્સિટી, કોલેજ અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે ગાઈડલાઈન જાહેર કરી હતી. જે અંતર્ગત તમામ સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત બનાવી હતી.
ગાઈડલાઈન મુજબ, કોલેજ અને યુનિવર્સિટીમાં દર 100 વિદ્યાર્થી એક લાયક કાઉન્સેલર રાખવો પડશે. તેમજ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા ઉભી કરવી પડશે. પરીક્ષા, અભ્યાસક્રમમાં ફેરફાર અને શૈક્ષણિક દબાણના સમયગાળામાં વિદ્યાર્થીઓને સતત, ગુપ્ત અને સંવેદનશીલ માર્ગદર્શન મેળ તે માટે ખાસ વ્યવસ્થા કરવી પડશે.
આ ઉપરાંત ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે પણ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. કોઈપણ વિદ્યાર્થીને શૈક્ષણિક પરફોર્મન્સના આધારે અલગ પાડવા, જાહેરમાં અપમાનિત કરી શકાશે નહીં. તેનાથી વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધતો હોવાથી તેને સંપૂર્ણપણે બંધ કરવી જરૂરી છે.
આ પણ વાંચો…સુરતમાં જાણીતા કથાકારની પુત્રીએ આપઘાત કરતાં ચકચાર, ધો. 12 સાયન્સમાં ભણતી હતી



