સુરતના હીરા વેપારી સાથે 4.80 કરોડની છેતરપિંડી: દુબઈ ડાયમંડ મંગાવીને ન કર્યું પેમેન્ટ…

સુરત: શહેરમાં ઓનલાઈન છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. છ હીરા વેપારીઓએ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી દુબઈ મોટો જથ્થો મંગાવ્યો હતો. માલની ડિલિવરી થયા બાદ ગઠિયાઓએ ફોન બંધ કરી દીધો હતો. આશરે 4.80 કરોડનો માલ ગુમાવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
મળતી વિગત પ્રમાણે હીરા વેપારીએ માર્ચ મહિનામાં રૂ. 81 લાખના કિંમતનો એક હીરો ઓનલાઇન વેચાણ માટે મૂક્યો હતો. 3 જૂનના રોજ અજાણ્યા મોબાઇલ પરથી તેમને ઇન્કવાયરી આવી હતી ત્યાર બાદ તેમણે માર્કેટમાં આ વ્યક્તિ અંગે પૂછપરછ કરતાં વેપારી સારો હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી તેમણે હીરો દુબઈ અથવા હોંગકોંગ મોકલી આપવા જણાવ્યું હતું. વેપારીએ તેમના મિત્રની દુબઈ સ્થિત ઓફિસ મારફતે આ હીરો વેચાણ માટે મોકલી આપ્યો હતો. હીરો મળી ગયા બાદ પેમેન્ટ ચૂકવ્યું ન હતું. વેપારીએ એ પેમેન્ટની ઉઘરાણી શરૂ કરતાં જ ઠગે પોતાનો મોબાઈલ નંબર અને વોટ્સએપ ચેટિંગની વાતચીત બંધ કરી દીધી હતી.
પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થતાં તેમણે હીરા બજારમાં તપાસ કરી હતી. તેમને જાણવા મળ્યું કે આઠગ વેપારીએ માત્ર તેમની સાથે જ નહીં, પણ તેમના જેવા જ અન્ય પાંચ વેપારીઓ સાથે પણ આવું જ કૌભાંડ આચર્યું હતું.
ગઠિયાએ આ તમામ 6 વેપારીઓ પાસેથી દુબઈ ખાતે હીરાનો મોટો જથ્થો મંગાવ્યો હતો. કુલ ₹ 4.80 કરોડના હીરાનો જથ્થો મેળવ્યા બાદ, ઠગબાજે પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો અને કરોડોની છેતરપિંડી આચરી હતી.
હીરા વેપારીએ ઠગબાજ વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. આ છેતરપિંડી ઓનલાઈન ડાયમંડ પોર્ટલનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવી હતી, તેથી પોલીસ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો…સુરતમાં ‘રેઈનકોટ ચોર’ પકડાયો, ₹13 લાખથી વધુના હીરા રિકવર…