સુરત સાયબર ફ્રોડ કેસ: ₹1550 કરોડના કૌભાંડમાં 1.50 લાખ પાનાની ચાર્જશીટ દાખલ

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં રૂ.1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 88 દિવસની તપાસ બાદ 1.50 લાખ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસની શરુઆત 22 મે,2025ના રોજ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સામાન્ય વાહન ચેકિંગથી થઈ હતી.
પોલીસે ચેકિંગ દરમિયાન એક વાહનચાલક પર શંકા જતા તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. જોકે, આ તપાસ દરમિયાન વાહનચાલક પાસેથી અમુક બેંક એકાઉન્ટ સંબંધિત ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા, જેના કારણે પોલીસની શંકા વાહનચાલક પર વધી.
આપણ વાંચો: શૅર ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચે સાયબર ફ્રોડ: યુવાન થાણેમાં પકડાયો
જ્યારે આ ડોક્યુમેન્ટ્સ અને વાહનચાલકની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી તો પોલીસને કરોડોનો સાયબર ફ્રોડ ચાલી રહ્યો હોવાની કડી મળી, જે જાણીને પોલીસ પણ થોડીવાર માટે ચોંકી ગઈ હતી.
આ તપાસને ઉધના પોલીસે જેમ-જેમ આગળ વધારી તેમ મુખ્ય કડી સાથે અન્ય કડીઓ પણ જોડાતી ગઈ અને પોલીસે સાયબર ફ્રોડના માસ્ટરમાઈન્ડ કિરાત જાધવાની સહિત 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી.
આ આરોપીઓની તપાસ હાથ ધરતા પોલીસને તેમની પાસેથી 165 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા, જેના ટ્રાન્ઝેક્શન્સ જોઈને પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી. આ રેકેટના તાર સમગ્ર દેશમાં ફેલાયેલા હતા.
આપણ વાંચો: શેરબજારમાં નફાની લાલચ આપી 2. 89 કરોડનું સાયબર ફ્રોડ, પોલીસે તપાસ શરુ કરી
પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, 165 બેંક એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાંથી 2500થી વધુ ઓનલાઈન સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી. આમાંથી ગુજરાતમાંથી 265 અને સુરત શહેરના 37 કેસનો સમાવેશ થાય છે.
આ 165 એકાઉન્ટ્સમાં કુલ રૂ. 1550 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ થયા હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આ રેકેટ ફક્ત આ સાયબર ગુનેગારો પૂરતુ જ સીમિત નહોતું તેમાં આરબીએલ બેંકના આઠ કર્મચારીઓ પણ સંડોવાયેલા હતા, જેમણે આરોપીઓને નકલી દસ્તાવેજોના આધારે બેંક એકાઉન્ટ ખોલવામાં મદદ કરી હતી. આ બેંક કર્મચારીઓની પણ તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી.
આપણ વાંચો: બાન્દ્રાની વૃદ્ધાએ સાયબર ફ્રોડમાં 7.88 કરોડ રૂપિયા ગુમાવ્યા
ઉધના પોલીસે 88 દિવસ સુધી રાત-દિવસ મહેનત કરી અત્યાર સુધીમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો, બેંક કર્મચારીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સહિત 200 જેટલા લોકોની પૂછપરછ કરી નિવેદનો નોંધાયા હતા.
પોલીસે આ તપાસ દરમિયાન એકત્રિત કરેલા પુરાવાઓ, ટેક્નિકલ વિશ્લેષણ અને નિવેદનોના આધારે 1.50 લાખ પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ હતી. જોકે, આ ચાર્જશીટમાં મહત્વની વાત આ છે કે, મુખ્ય ચાર્જશીટ ફક્ત 18 હજાર પાનાની જ છે.
બાકીના તમામ પેઈજમાં આરબીએલ, યસ બેન્ક અને એક્સિસ બેન્ક સહિત અલગ-અલગ બેંકના સ્ટેટમેન્ટ તથા 165 એકાઉન્ટમાં થયેલા તમામ ટ્રાન્ઝેક્શન્સની વિગતોને આવરી લેવામાં આવી છે.