સુરતમાં કચરાના ઢગલામાંથી મળ્યું કપાયેલું માથું, રૂમમાંથી ધડ મળતાં હડકંપ | મુંબઈ સમાચાર
સુરત

સુરતમાં કચરાના ઢગલામાંથી મળ્યું કપાયેલું માથું, રૂમમાંથી ધડ મળતાં હડકંપ

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. લસકાણા વિસ્તારના વિપુલનગરમાંથી એક યુવકનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરતા માથું મળ્યાના ઘટનાસ્થળથી થોડે દૂર એક રૂમમાંથી ધડ મળી આવ્યું હતું. પોલીસે હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરીને મૃતકની ઓળખ પરેડ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા.

પોલીસની તપાસમાં એક ચોંકાવનારી વાત સામે આવી હતી. ઘટનાસ્થળથી આશરે 200 મીટર દૂર એક બંધ મકાનમાંથી મૃતક યુવકનો બાકીનો મૃતદેહ મળી આવ્યો છે. આ મકાન લાંબા સમયથી બંધ હતું. પોલીસે જણાવ્યું કે મૃતક કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. મૃતદેહની ઓળખ માટે આસપાસના લોકોને બોલાવીને ઓળખ પરેડ ચલાવવામાં આવી રહી છે. રૂમ ઘણો સમયથી ખાલી હતો.

આ પણ વાંચો: અમદાવાદના નહેરૂનગરમાં હિટ એન્ડ રનઃ કસ્ટડીમાં આરોપીને મારનારા મૃતકના પરિવારજનો સામે પોલીસે શું કરી કાર્યવાહી?

આ વિસ્તારમાં હીરા ઉદ્યોગનું કામકાજ ચાલે છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો. પોલીસ તેની શોધ કરી રહી છે. ઘટનાસ્થળેથી પોલીસને એક નાની ડાયરી પણ મળી હતી જેમાં એક બેંક એકાઉન્ટ નંબર લખેલો હતો. પોલીસે શરૂઆતમાં વિચાર્યું કે આ એકાઉન્ટ મૃતકનું હોઈ શકે છે. તપાસ કરતા ખબર પડી કે આ એકાઉન્ટ ઓરિસ્સાના એક વ્યક્તિનું છે, જે દોઢ મહિના પહેલા જ પોતાના વતન પાછો ગયો છે અને તે જીવિત છે. આ કારણે પોલીસ થોડી મૂંઝવણમાં મુકાઈ હતી.

હાલ, ક્રાઈમ બ્રાન્ચ અને લસકાણા પોલીસની 7 ટીમો આ રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા માટે સઘન તપાસ કરી રહી છે. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button