સુરતના વેપારીને ઓછી કિંમત જાહેર કરવી પડી ભારે, લાખોના હીરાનો 1000 વિમો પાક્યો | મુંબઈ સમાચાર
સુરત

સુરતના વેપારીને ઓછી કિંમત જાહેર કરવી પડી ભારે, લાખોના હીરાનો 1000 વિમો પાક્યો

સુરતઃ શહેરની ઓળખ ડાયમંડ નગરી તરીકેની છે. અહીં હીરાની મોટી મોટી ફેકટરીઓ અને કંપની આવેલી છે. સુરતમાં જ્વેલરીનું પણ મોટું માર્કેટ છે. મહિધરપુરા સ્થિત એક જ્વેલરી ઉત્પાદક કંપનીને લગભગ 47 લાખ રૂપિયાના વીમા વળતરનો દાવો કરવામાં નિષ્ફળતા મળી હતીી. સુરતની વધારાની જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને ચુકાદો આપ્યો છે કે કંપનીએ કુરિયર અને પોસ્ટ દ્વારા મોકલેલા સોના અને હીરાના દાગીનાના પાર્સલની કિંમત ઘણી ઓછી આંકી હતી.

‘શાશ્વત જ્વેલર્સ’ નામની આ પેઢીએ 2015 અને 2016 વચ્ચે ‘ધ ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ’ સામે ત્રણ અલગ-અલગ ફરિયાદો દાખલ કરી હતી, જેમાં અનુક્રમે ₹18.86 લાખ, ₹15.50 લાખ અને ₹12.58 લાખના દાવા માંગવામાં આવ્યા હતા. જોકે, દરેક કિસ્સામાં, કંપનીએ પાર્સલની કિંમત માત્ર ₹100 થી ₹10,000 જ જાહેર કરી હતી.

ઓક્ટોબર 2013માં, ₹18.86 લાખના દાગીના ચંદીગઢ કુરિયર દ્વારા મોકલવામાં આવ્યા હતા, પરંતુ પેઢીએ તેની કિંમત માત્ર ₹100 જ જાહેર કરી હતી. ફરિયાદી સર્વેયરને સ્ટોક બિલ અને અન્ય વિગતો આપવામાં નિષ્ફળ રહ્યા અને કુરિયરની ભૂલ હોવાનું જણાવી, કમિશને આ દાવો નકારી કાઢ્યો હતો. માર્ચ 2013માં, મહિધરપુરા પોસ્ટ ઓફિસથી કોલકાતા ₹12.58 લાખનું પાર્સલ મોકલવામાં આવ્યું હતું. પેઢીએ ડિલિવરી સમયે માલ ગુમ થયાનો આરોપ લગાવ્યો હતો પરંતુ જાહેર કરેલી કિંમત માત્ર ₹10,000 હતી અને પોસ્ટલ અધિકારીઓએ સલામત ડિલિવરીનો પુરાવો આપતા, આ ફરિયાદ પણ રદ કરવામાં આવી.

એપ્રિલ 2014માં, ₹15.50 લાખના દાગીના દેહરાદૂન પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યા, જેમાં જાહેર કરેલી કિંમત ₹1000 હતી. આ કિસ્સામાં પોસ્ટ વિભાગ ડિલિવરી ન કરવામાં નિષ્ફળ જતા, કમિશને તેમને માત્ર ₹1000 (જાહેર કરેલી કિંમત) ચૂકવવાનો આદેશ આપ્યો. આ ત્રણેય મામલામાં વીમા કંપની જવાબદાર ઠરી નહોતી.

વીમા કંપનીના વકીલે જણાવ્યું કે આ ચુકાદાઓ સચોટ ઘોષણાઓના મહત્વ પર ભાર મૂકે છે. તેમણે કહ્યું, જો કરોડોનો વીમો લેવામાં આવે તો પણ, જાહેર કરેલી કિંમત અને સહાયક દસ્તાવેજો જ બંધનકર્તા રહેશે. જ્વેલરે અત્યંત ઓછી કિંમત જાહેર કરી અને સ્ટોક બિલ પૂરા પાડવામાં નિષ્ફળ રહ્યા, તેથી દાવાઓ યોગ્ય રીતે નકારી કાઢવામાં આવ્યા હતા.

આપણ વાંચો:  અમદાવાદના ઓટો માર્કેટમાં તેજી, પ્રથમ નવરાત્રીએ વેચાયા 3500 વાહનો…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button