સુરતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે અકસ્માતની સંખ્યા ઘટાડવા તંત્રએ શું લીધો મોટો નિર્ણય?

સુરતઃ ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં તંત્રએ અકસ્માતની સંખ્યા ઘટાડવા મોટો નિર્ણય લીધો હતો. પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિવારવા માટે સુરત મહાનગરપાલિકાએ 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીના રોજ બીઆરટીએસ બસની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો હતો.
મળતી વિગત પ્રમાણે, ઉત્તરાયણના દિવસે સુરતમાં 367 બીઆરટીએસ બસના રૂટ બંધ રહેશે. આ ઉપરાંત સિટી બસ પણ તેના નિર્ધારિત શિડ્યુલના માત્ર 30 ટકા ક્ષમતા સાથે જ દોડશે. આ નિર્ણયને કારણે શહેરના લાખો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. વાસી ઉત્તરાયણના દિવસે પણ 70 ટકા જેટલા રૂટ બંધ રહેશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉત્તરાયણ દરમિયાન બીઆરટીએસ કોરિડોરમાં સૌથી વધુ અકસ્માત થાય છે. પતંગ લૂંટવા માટે બાળકો અને યુવાનો અચાનક બીઆરટીએસ ટ્રેક પર દોડી આવે છે. બસોની ગતિ વધુ હોવાથી ચાલક અચાનક બ્રેક નથી મારી શકતો, જેના પરિણામે ગંભીર અકસ્માત થાય છે.
આ પણ વાંચો…ઉત્તરાયણમાં પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે મોટાભાગે લોકો ધાબા પર હોય છે અને રસ્તાઓ પર ભીડ ઓછી હોવા છતાં સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે પાલિકાએ સેફ્ટી ફર્સ્ટ અભિગમ અપનાવીને બસોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો હતો.
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓની સૌથી વધુ સંખ્યા છે તેવા વરાછા-સીમાડામાં પતંગબાજી મોટા પ્રમાણમાં થાય છે. આ વિસ્તારના રૂટ ગીચ વસ્તીવાળો હોવાથી ત્યાં અકસ્માતની શક્યતા વધુ રહે છે. તેવી જ રીતે ઉધના-મગદલ્લા અને ઉધના-પાંડેસરા કોરિડોર પર બસોની સ્પીડ વધુ હોવાથી તેને હાઈ-રિસ્ક ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
કતારગામ અને વેડ રોડ જેવા વિસ્તારોમાં સાંકડા રસ્તાઓને કારણે સિટી બસ અને પતંગબાજો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના હોવાથી તંત્રએ અકસ્માતની સંખ્યા ઘટાડવા બસોની સંખ્યામાં કાપ મૂકવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો…ઉત્તરાયણમાં પતંગ ચગાવવામાંથી લોકોનો રસ ઘટી રહ્યો છે ?



