ગુજરાતમાં નકલીની ભરમાર, હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ | મુંબઈ સમાચાર
Top Newsસુરત

ગુજરાતમાં નકલીની ભરમાર, હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ

સુરતઃ ગુજરાતમાં જાણે કે નકલીની ભરમાર હોય તેમ એકબાદ એક નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. નકલી પીએમઓ, સીએમઓ, ટોલનાકુ, પીએસઆઈ બાદ વધુ એક વખત નકલી વસ્તુ ઝડપાઈ હતી. હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ હતી. નકલી વિઝા ફેક્ટરી ઝડપાતાં ચકચાર મચી ગઈ હતી.

કયા દેશોના નકલી સ્ટીકર મળ્યા

મળતી વિગત પ્રમાણે, સુરત પીસીબી અને એસઓજીએ સંયુક્ત કાર્યવાહી કરીને અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામનો વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિ નકલી વિઝા બનાવતી ફેક્ટરી ચલાવતો હતો. આ ફેક્ટરીમાં યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ જેવા દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા હતા. જેના પરથી સામે આવ્યું કે, અહીં આ તમામ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતા. પોલીસે આ મામલે પ્રતિક શાહની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 5 વિઝા સ્ટીકર મળ્યા હતા.

આ પણ વાંચો: Suratમાં વિઝાનાં નામે ચાલતી લૂંટનો પર્દાફાશ; નકલી ઓફર લેટરથી પડાવ્યા લાખો રૂપિયા

આરોપી છે રીઢો ગુનેગાર

પોલીસ તપાસમાં સામે આવેલી વિગત પ્રમાણે, આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો. આરોપી પ્રતિક સામે અત્યાર સુધીમાં 12 ગુના નોંધાયેલા છે. તેણે અત્યાર સુધીમાં 700 નકલી સ્ટિકર બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. તે એક સ્ટીકર બનાવવાના 15,000 લેતો હતો. આ નકલી સ્ટિકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ રેકેટમાં તેની સાથે કોણ કોણ સંકળાયેલા છે તેની તપાસ શરૂ કરી હતી. તેમજ છ એજન્ટોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

કેટલા દિવસમાં સ્ટીકર તૈયાર કરીને મોકલતો હતો

પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ, ઓરીજનલ લાગે તેવું જ સ્ટીકર બનાવવા માટે ઝીણવટભર્યું કામ કરતો હતો અને એક સ્ટીકર બનાવવામાં તેને સાત દિવસનો સમય લાગતો હતો. આ બોગસ સ્ટિકર તે કુરિયર મારફતે એજન્ટોને મોકલતો હતો. આરોપી બોગસ સ્ટિકર્સ બનાવવા માટે જરૂરી હોલમાર્કવાળા પેપર ઓનલાઈન ખરીદતો હતો. ત્યારબાદ તે લેપટોપ અને અન્ય સાધનોની મદદથી એડિટિંગ કરી, કલર પ્રિન્ટરથી પ્રિન્ટ કાઢી અને સ્ટિકરના આકારમાં કટિંગ કરીને બોગસ વિઝા સ્ટિકર બનાવતો હતો. આ સ્ટિકર્સ તે કુરિયર મારફતે એજન્ટોને મોકલી આપતો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button