સુરત બોગસ ગન લાઇસન્સ કૌભાંડમાં 500 પાનાની ચાર્જશીટ રજૂ; ગજાનન ગન હાઉસના માલિક સહિત 9 આરોપી…

સુરત: બોગસ ગન લાઇસન્સ કૌભાંડમાં સુરત પોલીસે 500 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં ગજાનન ગન હાઉસના માલિક અતુલ પટેલ સહિત 9 આરોપીના નામ છે. આ સમગ્ર કૌભાંડમાં બોગસ લાઇસન્સ જ્યાંથી ઈશ્યૂ થયા હતા તે નાગાલેન્ડના એક પણ વ્યક્તિને આરોપી બનાવવામાં આવ્યો નથી. ચાર્જશીટમાં 82 સાક્ષીઓનો ઉલ્લેખ છે.
નાગાલેન્ડના અધિકારીઓની સંડોવણી અસ્પષ્ટ
નાગાલેન્ડ પોલીસને પણ ગન લાઇસન્સ માટે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર જનરેટ કરનાર કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી હાલ ક્યાં છે તેની જાણ નથી. વર્ષ 2016માં જ્યારે આ બોગસ લાઇસન્સ આપવાની વાત છે, તે સમયે ડિવિઝનલ કચેરી તરફથી સીપી દિમાપુર કચેરીને હથિયાર લાઇસન્સ સંબંધિત તમામ ડોક્યુમેન્ટ સોંપી દેવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં કચેરીમાં તે અંગે કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ નથી. આ સ્થિતિ સૂચવે છે કે નાગાલેન્ડના અધિકારીઓની મિલીભગત વગર આ રેકેટ શક્ય નથી, છતાં ચાર્જશીટમાં તેમની સંડોવણી સ્પષ્ટ કરવામાં આવી નથી.
પોલીસ તપાસમાં ખામીઓના આક્ષેપ
સુરત ક્રાઈમ બ્રાન્ચે નાગાલેન્ડના કેટલાક સરકારી કર્મચારીઓ અને નોટરી વકીલોના નિવેદનો લીધા હતા. બોગસ ગન લાઇસન્સ કૌભાંડમાં આરોપી ગજાનન ગન લાઇસન્સના માલિકના વકીલ અશ્વિન જોગડીયાએ પોલીસ તપાસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં અનેક ખામીઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. વકીલ જોગડીયાના મતે, આ ગન લાઇસન્સ કઈ રીતે ઇશ્યૂ કરવામાં આવ્યા તે પોલીસ તેમની ચાર્જશીટમાં સ્પષ્ટ કરી શકી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સમગ્ર તપાસમાં ઘણી વિસંગતતાઓ પ્રવર્તી રહી છે. આ નિવેદન પોલીસની તપાસની દિશા અને તેની પારદર્શિતા પર નવા પ્રશ્નાર્થ ઊભા કરે છે.