
સુરતઃ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ નવી ટીમ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સુરતમાં ભાજપના હોદ્દેદારોની પસંદગી માટે પ્રથમવખત સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સુરત ભાજપના સંગઠનના 20 જેટલા ખાલી હોદ્દેદારોની પસંદગી કરવા માટે ઉધના ખાતેના શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ હતી. ત્રણ પદ માટે સુરતી-સૌરાષ્ટ્ર અને પરપ્રાંતીયનો ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે.
કોણે સેન્સ લીધી
સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલના નેતૃત્વ હેઠળના સંગઠનમાં બાકી રહેલા 20 હોદ્દેદારો (જેમાં 3 મહામંત્રી, ઉપપ્રમુખો, ખજાનચી, મંત્રી અને સહમંત્રીઓનો સમાવેશ થાય છે)ની પસંદગી માટે પ્રદેશ ભાજપના બે નિરીક્ષકો સુરત પધાર્યા હતા. વડોદરાથી શબ્દ શરણ બ્રહ્મભટ્ટ અને ગોધરાથી સુધીર લાલપુરવાળા નિરીક્ષક તરીકે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી.
આ પણ વાંચો: સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી અને કાર્યકર્તા વચ્ચે ‘લાફાવાળી’: વીડિયો વાયરલ થતાં ચકચાર
સુરતને મિનિ ભારત તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અન્ય રાજ્યો (ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા)માંથી આવેલા લોકો વસે છે. રાજકીય સમીકરણોમાં આ તમામ સમુદાયોનું પ્રતિનિધિત્વ હોવું અનિવાર્ય છે. સૂત્રો મુજબ, પ્રથમવાર સેન્સ પ્રક્રિયા દ્વારા સ્થાનિક આગેવાનોના મંતવ્યો જાણીને, સંગઠનમાં તમામ વર્ગોને યોગ્ય હિસ્સો આપવાનું આયોજન છે.
સંગઠનમાં મહામંત્રીનું પદ અત્યંત પાવરફુલ ગણાય છે. આ પદ પર નિમણૂક માટે ભાજપ એક વિશેષ ‘થિયરી’ અમલમાં મૂકી શકે છે:
- એક મહામંત્રી: મૂળ સુરતી (સ્થાનિક) સમુદાયમાંથી.
- બીજા મહામંત્રી: સુરતમાં વસેલા વિશાળ સૌરાષ્ટ્રીયન સમુદાયમાંથી.
- ત્રીજા મહામંત્રી: શહેરની રાજકીય અને આર્થિક ગતિવિધિમાં નોંધપાત્ર યોગદાન આપતા પરપ્રાંતીય (બિન-ગુજરાતી) સમુદાયમાંથી.
જો આ થિયરી અમલમાં મુકાય તો, સુરત ભાજપના ઇતિહાસમાં પ્રથમવાર મહામંત્રી પદ માટે જ્ઞાતિ કરતાં પ્રાદેશિક સમીકરણોને સ્પષ્ટ રીતે ધ્યાનમાં લેવામાં આવ્યા હોય તેવું બનશે.
આ પણ વાંચો: સુરત ભાજપના કાર્યાલયમાં ‘મારામારી’નો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો: પોલીસ ફરિયાદ થઈ
નવા સંગઠન માળખામાં દરેક પદ માટે ત્રણ-ત્રણ દાવેદારોની યાદી તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં યુવા કાર્યકરોને વધુ પ્રતિનિધિત્વ અને તક મળે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક માટે સેન્સ આપનારા મહાનુભાવોની યાદીમાં શહેરના તમામ વજનદાર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અપેક્ષિતોની યાદીમાં સાંસદો, ધારાસભ્યો, કેબિનેટ પ્રધાનો, પ્રભારી પ્રધાન, મેયર તેમજ પૂર્વ હોદ્દેદારો પણ નિરીક્ષકો સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરશે. આ લોકો દ્વારા સૂચવવામાં આવેલા નામોના આધારે જ અંતિમ પસંદગી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 20 નવેમ્બર સુધીમાં રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાં સંગઠનનું નવું માળખું પૂર્ણ થઈ જશે. ત્યારબાદ નવી ટીમો સ્થાનિક સ્તરે કાર્યભાર સંભાળશે.



