સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી અને કાર્યકર્તા વચ્ચે ‘લાફાવાળી’: વીડિયો વાયરલ થતાં ચકચાર

સુરતઃ શહેરમાં ભાજપ કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય આવ્યા હતા. ચા-નાસ્તાને લઈને તેમની પટાવાળા સાથે થોડી બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી અંગે પટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરી હતી. અચાનક જ ખજાનચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા સાથે વિવાદ શરૂ કરી દીધો હતો.
ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે કાર્યકર્તા દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાથી કાર્યાલયમાં હાજર અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ પણ વાંચો : બેંકનાં ખોટા લેટરપેડનો ઉપયોગ બદલ સુરતનાં ભાજપ નેતાની ધરપકડ; પક્ષે કર્યા સસ્પેન્ડ…
કાર્યાલયની અંદર જ આ પ્રકારની ઘટના બનતાં સુરતના રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ હતી. સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વચ્ચે થયેલી આ મારામારીએ પક્ષની આંતરિક શિસ્ત અને સંકલન પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. આ મામલે પક્ષ દ્વારા કોઈ શિસ્તભંગના પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.
આ સમગ્ર ઘટના ભાજપ કાર્યાલયના બીજા માળે આવેલા વેઇટિંગ રૂમમાં બની હતી. શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને કહ્યું હતું કે, ‘હું ખજાનચી છું અને મને જ બધું જોવાનું છે, તો અહીં વધારે આંટાફેરા નહીં માર.’ આ સમગ્ર ઘટના ત્યાં હાજર અન્ય કાર્યકર્તાઓ જોઈ રહ્યા હતા. શૈલેષે દિનેશને ધક્કો મારી દીધો હતો. આ શબ્દો બોલતા દિનેશભાઈએ માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને અચાનક લાફાવાળી શરૂ કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.