સુરતમાં AAP નેતાઓના પોસ્ટર પર મુસ્લિમ ટોપી પહેરાવી કાળી શાહી લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું

સુરતઃ શહેરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ ગોડાદરામાં ઠેર-ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયાના ફોટા મૂકવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં ખાસ કરીને નેતાઓના ફોટા પર મુસ્લિમ ટોપી પહેરેલી હોય તેવું એડિટિંગ કરવામાં આવ્યું હતું. પોસ્ટર પર નિમંત્રક તરીકે “મુસ્લિમ સમાજ-મીઠી ખાડી” તેવું લખાણ લખવામાં આવ્યું હતું. વિરોધકર્તાઓ દ્વારા આ નેતાઓના મોઢા પર કાળી શાહી પણ ચોપડવામાં આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આ નેતાઓને ‘હિન્દુ વિરોધી’ ગણાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે મુસ્લિમ ટોપી પહેરેલા AAPના નેતાઓના ફોટા પર શાહી લગાવવામાં આવી હતી અને ફોટા ફાડવામાં પણ આવ્યા હતા. આ પોસ્ટરો સામે આવતા જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. VHP કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, આ નેતાઓ હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે.
કાર્યકરોએ હિન્દુ વિરોધી નેતાઓને અમારા વિસ્તારમાં નહીં આવવા દઈએ તેવા સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ગોપાલ ઈટાલિયાના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા અને અન્ય નેતાઓના ફોટા પર શાહી લગાવી રોષ વ્યક્ત કરાયો હતો.



