સુરત

સુરત અને નવસારી ‘ગુનાખોરી’ માટે ‘એપી સેન્ટર’ બન્યા, વિપક્ષ લાલઘૂમ!

સુરતઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી હોય તેમ લાગે છે. અમદાવાદમાં લુખ્ખાઓએ જાહેરમાં આતંક મચાવ્યા બાદ પોલીસે ‘સરભરા’ કરી હતી, એટલું જ નહીં તેમના મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું. ડાયમંડ અને ટેક્સટાઈલ નગરી તરીકે ઓળખ ધરાવતાં સુરતમાં પણ ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાયો છે. વિધાનસભામાં રજૂ થયેલા આંકડા આ વાતની સાબિતી આપે છે.

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તથા નવસારીના સાંસદ સી આર પાટીલના મત વિસ્તાર સુરત તથા નવસારીમાં ગુનેગારો બેફામ બન્યા છે. સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ચોરી, લૂંટ, અપહરણ, હત્યા, ખંડણી, છેતરપિંડી તથા અન્ય મહિલા અત્યારચારના મળીને 9000થી વધુ ગુના નોંધાયા છે. અર્થાત સુરતમાં રોજના સરેરાશ 17 ગુના નોંધાઈ રહ્યા છે. સુરતમાં નોંધાયેલા કુલ ગુનામાં ચોરીના 4889, લૂંટના 108, ધાજના 28, અપહરણના 602, હત્યાના 266, દુષ્કર્મના 657, ખંડણીના 47, વસૂલીના 79, છેતરપિંડીના 1595 તથા મહિલા અત્યાચારના 767 કેસ નોંધાયા હતા. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સ્વીકાર્યું કે હજુ 1795 ગુનેગારોને પોલીસ પકડી શકી નથી.

આ પણ વાંચો…જાણો રાજકોટની દીકરી સહજ વૈદ્યને સંયુક્ત રાષ્ટ્રએ શા માટે કરી આમંત્રિત

વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ સુરત અને નવસારીમાં વધેલી ગુનાખોરી મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું રાજ્યમાં લુખ્ખાતત્વો લોકોને રંજાડી રહ્યા છે, માસૂમ બાળકીઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે ગુંડા તત્વોને સરકાર કે પોલીસનો ડર રહ્યો નથી. ભાજપનો ખેસ પહેરી લીધો એટલે ગુનાખોરીનો પરવાનો મળી ગયો તેવી સ્થિતિ છે. જો અસામાજિક તત્વોની યાદી જાહેર કરવામાં આવે તો તેમાંથી ઘણા ભાજપનો ખેસ પહેરેલા જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button