સુરતમાં 44 વર્ષની યુવતીને દાબમાં રાખવા સાસરિયાંએ નોટરી કરાવતાં આપઘાત

સુરત: રાજ્યના ડાયમંડ સિટી સુરતમાં આપઘાતનો એક ચોંકાવનારો કિસ્સો આવ્યો હતો. શહેરના વરાછા વિસ્તારમાં આજથી છ દિવસ પહેલા પરિણીતાએ ઝેર ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. મૃતક મહિલા સીમાબેનના પિયરપક્ષના લોકોએ આક્ષેપ કર્યો હતો કે પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને મહિલાએ આ અંતિમ પગલું ભરી લીધું હતું. સાસરિયા પક્ષનો ત્રાસ એટલી હદે હોવાનો આક્ષેપ થયો હતો કે સીમાબેનને બંધનમાં રાખવા માટે સાસરિયાં પક્ષ દ્વારા નોટરી પણ કરાવી હતી. મૃતકનો દીકરો કેનેડા હોવાથી વતનમાં આવ્યા બાદ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, મૂળ બોટાદ જિલ્લાના ઉમરડા ગામના વતની અને સુરત રહેતા મોહનભાઈ વાઘાણીના દીકરા સુનિલ વાઘાણીના લગ્ન સીમાબેન સાથે લગભગ 25 વર્ષ પહેલા થયા હતા. લગ્ન તેમના બાદ પતિ સુનિલ, સસરા, સાસુ ગૌરીબેન તથા તેના નણંદ સંગીતાબેન અને સંગીતાનો મિત્ર કમલેશ ધોરાજીયા સહિતના લોકો દ્વારા સીમાબેનને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ પરિજનોએ કર્યો હતો.
સીમાબેનને લગ્ન જેવા સામાજિક પ્રસંગોમાં જવા દેવામાં નહોતા આવતા અને દહેજ નહિ આપવાની બાબતે વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો. જો કે ચોંકવાનારી વાત સામે આવી હતી કે સીમાબેનને સાસરિયાના બંધનમાં રાખવા માટે નોટરી પણ કરાવી લીધી હતી. કથિત રીતે સાસરિયાના ત્રાસથી કંટાળીને અંતે 1 ફેબ્રુઆરીના રોજ સીમાબેને બાથરૂમમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
જો કે મૃતક સીમાબેનનો એક પુત્ર કેનેડા હોવાથી તેમની અંતિમ સંસ્કારની ક્રિયા હજુ સુધી થઈ શકી નહોતી. ત્યારે આજે તેમનો દીકરો વતનમાં આવ્યાં બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. પોલીસે મૃતક મહિલાના પિયર પક્ષની ફરિયાદના આધારે સીમાબેનના પતિ સહિતના પાંચ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.
આપણ વાંચો: અમદાવાદમાં PSIની પત્નિએ ચાલુ કોર્ટે જજની બાજુમાં બેઠેલી ક્લાર્ક સાથે પતિને લફરું હોવાનો ધડાકો કર્યો



