સુરત

સુરતના રાંદેરમાં મહિલા નાયબ મામલતદારે કર્યો આપઘાત, મહેસૂલ વિભાગમાં ખળભળાટ

સુરતઃ શહેરના રાંદેર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ઓલપાડ કચેરીમાં ફરજ બજાવતા મહિલા નાયબ મામલતદાર હિનીષા પટેલે પોતાના જ ઘરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. હિનીષા પટેલે રાંદેર સ્થિત પોતાના ઘરે જ બેડરૂમની અંદર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

મળતી વિગત પ્રમાણે 36 વર્ષીય નાયબ મામલતદાર હિનીશા પટેલે આજે સવારે 10 વાગ્યાની આસપાસ રાંદેર સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. સવારે ઓફિસે નીકળવાના સમયે પતિ નીચે કાર લેવા ગયા હતા, પરંતુ નાયબ મામલતદાર પત્ની નીચે ઉતર્યા ન હતા. ઉપર જઈ ચેક કરતા રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પરિવારજનો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે હજી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

મહેસૂલ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા હીનીષાબેન સામે જમીન મામલે એક નનામી અરજી કરવામાં આવી હતી. જોકે, ગાંધીનગર ખાતે થયેલી તપાસમાં તેમને નિર્દોષ જાહેર કરી ‘ક્લીન ચીટ’ આપી દેવામાં આવી હતી. તેમ છતાં, શું આ બાબતનું કોઈ માનસિક દબાણ હતું કે અન્ય કોઈ કારણ, તે દિશામાં રહસ્ય ઘેરાયું છે.

પોલીસના કહેવા પ્રમાણે, કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી, જેના કારણે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. હવે મૃતકનો મોબાઈલ ફોન કબજે કરી તેના કોલ ડિટેલ્સ અને સોશિયલ મીડિયાની તપાસ કરશે.

મૃતક હિનીશા પટેલ અને તેમના પતિ બંને મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. બંને સાથે જ રહેતા હતા અને એક હસતો રમતો પરિવાર હતો. તેવામાં કયા કારણથી મહિલા અધિકારીએ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું તે મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાંદેર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. મહિલા નાયબ મામલતદારે રાંદેર વિસ્તારમાં આવેલા પોતાના ઘરે જ અંતિમપગલું ભરતા વિસ્તારમાં સોંપો પડી ગયો હતો.

સંબંધિત લેખો

Back to top button