સુરતમાં વિદ્યાર્થીના આપઘાતથી SVNITમાં હડકંપ, હોસ્ટેલના ચીફ વોર્ડને આપ્યું રાજીનામું

સુરતઃ શહેરની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT)ના ત્રીજા વર્ષના વિદ્યાર્થી અને એનઆરઆઈ અદ્વૈત નાયરે હોસ્ટેલની બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવી હતી. જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કોલેજ મેનેજમેન્ટ પર ટોર્ચર કલ્ચરનો આરોપ લગાવીને દેખાવો કર્યા હતા.
આ ઘટના બાદ ભાભા ભવન હોસ્ટેલના ચીફ વોર્ડન અમિત સોલંકીએ રાજીનામું આપ્યું છે, જેને વહીવટી તંત્ર દ્વારા સ્વીકારવાની ખાતરી આપવામાં આવતા વિદ્યાર્થીઓએ તેમનો વિરોધ સમેટી લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા એવા આક્ષેપો કરાયા હતા કે, આપઘાતની ઘટના બાદ લગભગ 30 મિનિટ સુધી એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી અને હોસ્પિટલે પણ સારવાર શરૂ કરવાને બદલે ફોર્મ ભરવાને પ્રાથમિકતા આપી હતી.
મૃતક અદ્વૈતના માતા-પિતા ઓમાન રહે છે અને તેઓ મૂળ કેરળના છે. અદ્વૈત નાયરે 30 નવેમ્બરની રાત્રે હોસ્ટેલમાંથી કૂદીને આપઘાત કરી લેતા કેમ્પસમાં ભારે શોક અને આક્રોશ ફેલાયો હતો. વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડિંગની બહાર એકઠા થઈને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓના સતત અને ઉગ્ર વિરોધને પગલે ભાભા ભવન હોસ્ટેલના ચીફ વોર્ડન અમિત સોલંકીએ રાજીનામું આપ્યું હતું. આ અંગે એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, રજિસ્ટ્રાર દ્વારા આજે રાજીનામું સ્વીકાર્યાની નકલ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ ઉપરાંત, હોસ્ટેલ માટે નવા ચીફ વોર્ડનની નિમણૂક પણ તાત્કાલિક કરવામાં આવશે અને તેની કોપી પણ વિદ્યાર્થીઓને સુપરત કરવામાં આવશે.
આપણ વાંચો: આસારામને મળેલી 24 કલાક સુરક્ષા હટાવવામાં આવી! હાઈ કોર્ટે જામીનની શરત રદ કરી



