સુરતમાં રોગચાળા સામે ‘ડ્રોન’ હથિયાર! દવાના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરાશે

સુરતઃ વરસાદ બાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરની ખાનગી, સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. સુરતમાં રોગચાળાને નાથવા મ્યુનિસિપલ કોર્પોરેશને નવી પહેલ કરી છે. જે મુજબ જ્યાં કર્મચારીઓ પહોંચી શકતા નથી તેવી જગ્યાએ ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવશે.
કર્મચારીઓને બદલે ડ્રોન કામ કરશે
સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ શરૂ કર્યો છે. શહેરની અંદર ઘણા એવા વિસ્તારો છે, જ્યાં ફિઝિકલી કર્મચારીઓ દ્વારા પહોંચવું મુશ્કેલ બની જાય છે ત્યાં ડ્રોનથી કામગીરી કરાશે. ચોમાસા દરમિયાન શહેરની બહારના વિસ્તારોમાં મોટેભાગે આ મુશ્કેલી જોવા મળે છે.
આપણ વાંચો: ભુજમાં આરોગ્ય વિભાગના સર્વેલન્સમાં રોગચાળાનો રાફડો ફાટ્યો
દવા છાંટવા માટે ડ્રોન અસરકારક
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા આ વર્ષે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે, જે ખૂબ જ મદદરૂપ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ વ્યક્તિ સાફ-સફાઈની કે દવા છાંટવાની કામગીરી કરી શકતી નથી ત્યાં ડ્રોન ખૂબ સારી રીતે કામ કરી શકે છે. કતારગામ, સેન્ટ્રલ ઝોન અને સરથાણા ઝોનમાં હાર્ડ રિચ પોઇન્ટ છે, ત્યાં કામગીરી કરવામાં આવી છે.
78,000 જેટલા મકાનનો કર્યો સર્વે
115 જેટલાં લોકેશન ટ્રેસ કરવામાં આવ્યાં છે, જેમાં 10 કરતાં વધારે લોકેશન ઉપર કામગીરી પૂર્ણ કરી છે અને આ કામગીરી ચોમાસા દરમિયાન ચાલુ રહેશે. એટલું જ નહીં, પરંતુ અમે સતત અત્યારસુધીમાં 78,000 જેટલાં મકાનોનો સર્વે કરી લીધો છે, જેમાં 2.67 હજાર વસતિનો સર્વે કરી લીધો છે. સતત પાણીનાં સેમ્પલ પણ લઈ રહ્યાં છીએ અને એની તપાસણી બાદ જરૂર જણાય ત્યાં કાર્યવાહી પણ કરી રહ્યા છીએ.