ગજબની ચોરી! સુરતમાં તસ્કરો મેડિકલ સ્ટોરના તાળા તોડી કોન્ડોમનું પેકેટ ઉઠાવી ગયા

સુરતઃ શહરેમાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી હતી. એક મેડિકલ સ્ટોરમાંથી ત્રણ ચોરોએ રોકડ, મોબાઇલ ફોન, છ ચોકોબાર અને કોન્ડોમનું પેકેટ ચોરીને ફરાર થઈ ગયા હતા. અલથાણ વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે પોલીસે ત્રણ શંકાસ્પદ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ક્યાં બની ઘટના
દુકાન માલિકના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ મહાવીર હાઈટ્સ બિલ્ડિંગમાં આવેલી ‘હરિઓમ મેડિકલ કેર’માં બની હતી. આરોપીઓએ દુકાનમાં પ્રવેશવા માટે શટર અને કાચના દરવાજાના તાળા તોડ્યા હતા. તેઓ લગભગ અડધો કલાક સુધી દુકાનની અંદર રહ્યા હતા, જ્યાંથી તેમણે રૂ. 48 હજારની રોકડ અને રૂ. 7700ની કિંમતનો મોબાઈલ ફોન ચોર્યો હતો. ઉપરાંત રૂ. 295ની કિંમતનું કોન્ડોમનું પેકેટ અને રૂ. 180ની કિંમતની છ ચોકોબાર પણ લઈ ગયા હતા.
શનિવારે સવારે 9 વાગ્યાની આસપાસ જ્યારે ત્યાં કામ કરતા ફાર્માસિસ્ટ દુકાને પહોંચ્યા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. તેણે દુકાન માલિકને જાણ કરી, જેમણે બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ દુકાન 24 નવેમ્બરે જ શરૂ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ટોળકીની ચોરી કરવાની પદ્ધતિ પરથી એવું લાગે છે કે તેઓ રીઢા ગુનેગારો છે. અલથાણ પોલીસે ગુનેગારોને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી હતી.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજ મુજબ, વહેલી સવારે 4.03 થી 4.45 વાગ્યા દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ આશરે 40 મિનિટ સુધી મથામણ કરી લોખંડના સળિયા વડે શટર તોડ્યું હતું. પરંતુ અંદર પ્રવેશ્યા બાદ માત્ર 5 મિનિટમાં જ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કોરની મોડલ ઓપરેન્ડી મુજબ, તેઓ અગાઉથી રેકી કરીને આવ્યા હતા. બે શખ્સો અંદર જઈ કેશ કાઉન્ટર સાફ કર્યું હતું, જ્યારે ત્રીજો સાગરિત બહાર પહેરો ભરતો હતો.
મેડિકલ સ્ટોરના સંચાલિકાના કહેવા પ્રમાણે, એક મહિના પહેલા જ સ્ટોર શરૂ કરાયો હતો. સમગ્ર દિવસનો વકરો તેઓ લઈ ગયા હતા. ચોકોબાર અને કોન્ડોમના પેકેટની ચોરીએ ચોંકાવી દીધા હતા. સવારે ફાર્માસિસ્ટ આવતાં ચોરીની જાણ થયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
આપણ વાંચો: SIR: અમદાવાદમાં હજુ કેટલા મતદારોની મેપિંગ પ્રક્રિયા નથી થઈ પૂરી ?



