સુરતમાં RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પતિએ જ બનાવી હતી આવી યોજના…

સુરતઃ શહેરમાં દસ દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમની કારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. કારમાં તેમની સાથે તેમનો પુત્ર પણ હતો. આરએફઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સીટી સ્કેન કરતાં તેમના માથામાં ગોળી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ફાયરિંગ અન્ય કોઈએ નહીં પરંતુ તેના પતિએ કરાવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બનાવના ગણતરીના દિવસમાં જ પતિને ઝડપી પાડ્યો હતો. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે, જેમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી.
તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરએફઓના પતિ અને RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીએ માત્ર હત્યાની સોપારી જ નહોતી આપી, પરંતુ છ મહિના પહેલાંથી જ સોનલ પર ફાયરિંગ કરવાનો આખો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો. ઉપરાંત હત્યાને અંજામ આપવા માટે શૂટર ઈશ્વરપુરીને ખાસ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી સ્પોર્ટ્સ બાઇક પણ આપવામાં આવી હતી. ફાયરિંગ બાદના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં શૂટર બાઈક પર ફરાર થતો જોવા મળી રહ્યો છે.
કાયદાકીય રીતે છટકવાની તૈયારી પણ રાખી
આ ઉપરાંત આરોપી નિકુંજ RTO ઇન્સ્પેક્ટર હોવા છતાં, તે પોતાની પત્નીની હત્યાના પ્લાન બાદ કાયદાની આંટીઘૂંટીમાંથી બચવા માટે સતત કાયદા સંલગ્ન પુસ્તકો અને ચોપડાઓ વાંચી રહ્યો હતો. પોલીસે આ તમામ પુસ્તકો પણ જપ્ત કર્યા હતા. હત્યા બાદ કઈ રીતે કાયદાકીય પ્રક્રિયામાંથી બહાર નીકળી શકાય તેની પૂર્વ તૈયારી તેણે કરી રાખી હતી. આ ઉપરાંત તેના ઘરમાંથી 36 જીવતા કારતૂસનો જથ્થો મળી આવ્યો હતો.
સ્પોર્ટ્સ બાઈક પર પીછો પણ કર્યો હતો
આ ઉપરાંત પોલીસે જણાવ્યું કે, હત્યાની કોશિશ માત્ર 6 નવેમ્બરના રોજ જ નહોતી થઈ. એક મહિના પહેલાં પણ સોનલની હત્યા કરવા માટે રેકી કરવામાં આવી હતી. આરોપી નિકુંજનો મિત્ર અને શૂટર ઈશ્વરપુરી ગોસ્વામી 8 ઓક્ટોબરના રોજ સોનલની ગાડીનો પીછો કરતો અમદાવાદ સુધી ગયો હતો. નિકુંજે આપેલી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી સ્પોર્ટ્સ બાઇક પર ઈશ્વરપુરીએ લાંબો પીછો કર્યો હતો, પરંતુ તે સમયે યોગ્ય તક ન મળતા તે ફાયરિંગ કર્યા વિના પાછો ફર્યો હતો.
RFO સોનલ સોલંકીની હાલત ગંભીર
આ ગંભીર બનાવને 11 દિવસ વીતી ગયા હોવા છતાં RFO સોનલ સોલંકીની હાલત ગંભીર અને બેભાન અવસ્થામાં છે. 10થી વધુ ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
એક વર્ષથી દંપતીમાં હતો ડખો
ઉલ્લેખનીય છે કે કામરેજના જોખા ગામે રહેતા સોનલબેન સોલંકી સુરત વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેણે 2020માં સુરત ખાતે આરટીઓ ઓફિસર તરીકે ફરજ બજાવતાં નિકુંજ ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. જેના કારણે આરએફઓ માતા-પિતા અને ભાઈ સાથે રહેતા હતા. તાજેતરમાં તેઓ તેમની પર્સનલ કારની સફાઈ કરતા હતા ત્યારે પાછળના ભાગેથી જીપીએસ ચાલુ હાલતમાં મળ્યું હતું. જે અંગે તેમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
6 નવેમ્બરના સવારે સોનલ સોલંકી તેમના ચાર વર્ષના પુત્ર સાથે કામરેજ જવા નીકળ્યા હતા. આ સમયે જોખાથી કામરેજ જતાં રોડ પર ફાયરિંગ થતાં માથાના ભાગે ગોળી વાગી હતી અને તેમણે કારનું સંતુલન ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી.



