સુરતમાં 14મા માળેથી પુત્ર સાથે મોતની છલાંગ લગાવનારી મહિલાના કેસમાં શું થયો ચોંકાવનારો ખુલાસો ?

સુરતઃ શહેરના અલથાણ વિસ્તારમાં ગઈકાલે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની હતી. એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 14મા માળેથી પટકાવવાને કારણે ગંભીર ઈજાઓ થતાં દીકરાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે માતાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ કેસમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી.
ટીચર બનવાનું સપનું અધૂરું રહેતા મહિલાએ 14મા માળેથી છલાંગ લગાવી હતી. 2 વર્ષના માસૂમને નીચે ફેંકી પોતે પણ કૂદી ગઈ હતી. તેના સંબંધીએ કહ્યું, મહેનત કરવા છતાં નિષ્ફળતા મળતાં આઘાત લાગ્યો હતો, જેના કારણે આ પગલું ભર્યું હતું. આઝાદનગરની રહેવાસી જાહેદા માટે શિક્ષક બનવું એ માત્ર એક નોકરી નહીં, પણ તેના જીવનનું સૌથી મોટું સપનું હતું. ધોરણ 12 પાસ કર્યા બાદ તેણે પૂરા ઉત્સાહ સાથે ટીચિંગનો ડિપ્લોમા કોર્સ પૂર્ણ કર્યો હતો, જેથી તે સમાજમાં એક આદરણીય શિક્ષિકા તરીકે ઓળખ બનાવી શકે, જોકે આ જ સપનું તેની જિંદગી માટે જીવલેણ સાબિત થશે એવી કોઈને કલ્પના નહોતી. શિક્ષક બનવા માટેની અનિવાર્ય એવી TET પરીક્ષા તેના માટે જીવન-મરણનો પ્રશ્ન બની ગઈ હતી.
બિહારથી મોટા સપનાં લઈને આવી હતી
તેના સંબંધીએ જણાવ્યું કે, તે બિહારથી જ ખૂબ મોટાં સપનાં લઈને આવી હતી. તેણે ધોરણ 12 પછી ટીચિંગમાં ડિપ્લોમા કર્યું હતું, કારણ કે તેને શિક્ષિકા બનવું હતું, પરંતુ બિહારમાં બે વખત TETની પરીક્ષા આપ્યા છતાં તે પાસ થઈ શકી નહોતી, જેના કારણે તે અંદરથી તૂટી ગઈ હતી. ડિપ્રેશનનું એક મોટું કારણ સામાજિક સરખામણી હતી. તેની સાથે ભણનારા જેટલા પણ સાથીદારો હતા તેઓ TETની એક્ઝામ પાસ કરી ચૂક્યા હતા. પોતાના સાથીઓને સફળ થતા જોઈ તે વધારે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. જ્યારે પોતાની આસપાસના લોકો આગળ વધી જાય અને પોતે મહેનત કરવા છતાં નિષ્ફળ રહે, ત્યારે તે માનસિક વેદના જાહેદા માટે અસહ્ય બની ગઈ હતી. આ સરખામણી તેને સતત પોતાની નજરમાં નાની પાડી રહી હતી.
પરીક્ષામાં નાપાસ થતાં ડિપ્રેશનમાં આવી ગઈ હતી
શિક્ષિકા બનવાના પોતાના ધ્યેયને વળગી રહીને બિહારમાં બે વખત TETની પરીક્ષા આપી હતી. ખૂબ જ મહેનત કરવા છતાં જ્યારે બંને વખત પરિણામ નકારાત્મક આવ્યું ત્યારે તેના આત્મવિશ્વાસને ઊંડો આઘાત લાગ્યો હતો. એક તેજસ્વી કારકિર્દી બનાવવાની તેની મહેચ્છા પરીક્ષાનાં પરિણામોમાં ગૂંચવાઈ ગઈ હતી. નિષ્ફળતાના આ ભાર નીચે તે ધીમે-ધીમે ડિપ્રેશનમાં ધકેલાતી ગઈ અને તેના મનમાં એ વાત ઘર કરી ગઈ કે તે ક્યારેય શિક્ષક નહીં બની શકે. જેના કારણે આત્મઘાતી પગલું ભર્યું હતું.
આપણ વાંચો: લોકોના પૈસાનું શોષણ કરનારાઓને છોડવામાં આવશે નહીંઃ જીતુ વાઘાણી…



