17-17 કલાક બાળ-મજૂરીઃ સુરતમાં શેઠની કરી ધરપકડ, પાંચ બાળકને મુક્ત કરાવ્યાં

સુરત: બાળકો પાસે મજૂરીકામ કરાવવું એ ગુનો બને છે, પરંતુ તેમ છતાં હજી કેટલાક વિસ્તારોમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે. સુરતમાં પણ આવી જ એક બાબતનો પર્દાફાશ થયો. મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામેથી 7 વર્ષના બાળકથી લઈ 17 વર્ષ સુધીના સગીરોને પુણાની બિલનાથ સોસાયટીમાં ગોંધી રાખી બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની વાત પ્રકાશમાં આવી હતી. આ બાબતે પોલીસે કાર્યવાહી શરૂ કરી અને કુલ 3 બાળક અને 2 સગીરને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતાં.
બાળકો પાસે સતત 17 કલાક સુધી કામ કરાવતો હતો આરોપી
ઘટનાની વાત કરવામાં આવે તો, સાડીના કારખાના માલિકોઆ બાળકો પાસે સતત 17 કલાક સુધી કામ કરાવતા હતા. સવારે 5 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી સતત કામ કરાવવામાં આવતું હતું. એટલું જ નહીં પરંતુ શેઠ આ બાળકોને મારતો પણ હતો. જેથી બે બાળકો હિંમત કરીને 18 એપ્રિલની રાત્રે ભાગીને ગોડાદરા પોલીસ મથકે પહોંચી ગયાં હતા. બાળકોની આપવીતી સાંભળીને તપાસ શરૂ કરી અને આ કારખાનામાંથી અન્ય એક બાળક અને બે સગીરને મુક્ત કરાવ્યાં હતા. અત્યારે પોલીસે બંને બાળકોને કતારગામમાં આવેલા ચાઇલ્ડ વેલ્ફેર સેન્ટરમાં મોકલી આપ્યાં હતાં.
આ પણ વાંચો: કચ્છમાં કાળજું કંપાવી દે તેવી બે ઘટનાઃ એક કિશોર અને એક બાળકી આ રીતે…
કારખાનું ચલાવતા પ્રકાશ ભૂરીલાલ ભૂરિયાની ધરપકડ કરાઈ
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, વરાછાની મહિલા સબ ઇન્સ્પેક્ટર એફ.એસ. ચૌધરીની ફરિયાદને આધારે પુણા પોલીસે બાળકો પાસે મજૂરીકામ કરાવતા અને કારખાનું ચલાવતા પ્રકાશ ભૂરીલાલ ભૂરિયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, 14 વર્ષથી નીચેના બાળકો પાસે કોઈ પણ પ્રકારનું કામ કરાવવા પર અને 14 વર્ષથી મોટા અને 18 વર્ષથી નાના તરુણો પાસે જોખમી કામે રાખવા પર પ્રતિબંધ છે. આમ છતાં પણ જો કોઈ આવા બાળકો કે તરૂણો પાસે કામ કરાવે છે તો તેની સામે ગુનો દાખલ કરવામાં આવે છે. આ ગુનામાં 20,000 થી 50,000 નો દંડ અથવા 6 મહિનાથી 2 વર્ષ સુધીની જેલની સજા પણ કરવામાં આવે છે.