સુરતના રત્નકલાકારોના બાળકોને સ્કૂલ ફી સહાયમાં ઠેંગો: 70,00થી વધુ અરજી છતાં એકપણને ચૂકવણી નહીં

ગાંધીનગર-સુરત: હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિષમ પરિસ્થિતિના કારણે અસરગ્રસ્ત રાજ્યના રત્ન કલાકારોનાં બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવા રૂ. 13,500/-ની મર્યાદામાં 100 ટકા શાળા ફી સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આ સહાય અંતર્ગત 31 જુલાઇ સુધીમાં કેટલી અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મળી છે તેમજ મળેલી અરજીઓ પૈકી કેટલા રત્ન કલાકારોના બાળકોને રકમની ચુકવણી કરવામાં આવી તે મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો.
મળતી વિગતો અનુસાર, કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભામાં 31 જુલાઇ 2025 સુધીમાં છેલ્લા એક વર્ષમાં અમદાવાદ અને સુરત શહેર અને જિલ્લામાં અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીની સહાય ચૂકવવા માટે કેટલી તાલુકાવાર અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મળી તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં ઉદ્યોગ પ્રધાને જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં 3925, દસક્રોઇ તાલુકામાં 1 એમ અમદાવાદ જિલ્લામાં કુલ 3926 અરજીઓ મળી હતી. તે ઉપરાંત સુરત શહેરમાં 70,254 અરજી મળી હતી.
જો કે જવાબમાં જણાવાયું હતું કે રત્ન કલાકારોનાં બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવા માટે સરકારે જાહેર કરેલી સ્કૂલ ફીની સહાય માટે કુલ 74,180 અરજીઓ મળી હતી. તે પૈકી અમદાવાદ જિલ્લામાં કુલ 170 રત્નકલાકારોના બાળકોને રૂ.24.03 લાખ રકમની ચુકવણી કરવામાં આવી છે, જો કે હીરાઉદ્યોગના કેન્દ્ર ગણાતા સુરતમાં કુલ 70,254 અરજીઓ મળી છે પરંતુ એકપણ અરજીની ચુકવણી કરવામાં આવી નથી. આથી અમદાવાદમાં 3756 અને સુરતમાં 70,254 અરજીઓ પેન્ડિંગ છે, તેમ સરકારે વિધાનસભા સમક્ષ કબૂલ્યું હતું.
વૈશ્વિક મંદીને લઈ સુરત સહિત અન્ય શહેરના રત્ન કલાકારોના જીવન પર ઘેરી અસર કરી છે ત્યારે તેમના પરિવારોને મદદ કરવા માટે ગુજરાત સરકારે હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિષમ પરિસ્થિતિના કારણે અસરગ્રસ્ત રાજ્યના રત્ન કલાકારોનાં બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવા રૂ. 13,500/-ની મર્યાદામાં 100 ટકા શાળા ફી સહાય જાહેર કરી હતી. આ બેઠકમાં અમદાવાદ ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓ અને સરકારી વિભાગના અધિકારી મેમ્બરો સાથે ચર્ચા કર્યા બાદ જિલ્લામાં આ સહાયનો મહત્તમ લાભ અસરગ્રસ્ત રત્નકલાકારો સુધી પહોંચે અને તેઓને અરજી કરવામાં તથા દસ્તાવેજો રજૂ કરવામાં અગવડતા નિવારી શકાય તે હેતુથી કલેકટર દ્વારા સૂચન કર્યા મુજબ અરજીઓ દરેક શાળાકક્ષાએ સ્વીકારવાનું આયોજન કરાયું હતું.