સુરત

ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા ભૂતપૂર્વ ધારાસભ્યની કંપનીના 1900 કરોડના બેનામી ગોટાળા પકડાયા

સુરતઃ સુરત સહિત ગુજરાતના વેપારી અને બિલ્ડર વર્ગમાં ભારે ચર્ચાનો વિષય બનેલી ઈન્કમટ્કસની મેગાદરોડાની કાર્યવાહી એક અઠવાડિયાસુધી ચાલી હતી. આ રેડ શહેરની સૌથી મોટી રેડ હતી. ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા ભૂતપૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરાની કંપનીના 1900 કરોડના બેનામી ગોટાળા પકડાયા હતા. જોકે તપાસ દરમિયાન મળેલા ડિજિટલ દસ્તાવેજો તેમજ અન્ય મહત્વપર્ણ કાગળોના આધારે હવે વિભાગ દ્વારા એસેસમેન્ટ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

મુન્ના ઓલપાડી રડારમાં

લક્ષ્મી ડાયમંડ ગ્રુપ સાથે સંકળાયેલા શેલ કંપનીઓ, જમીન વ્યવહારો, રીયલ એસ્ટેટ પ્રોજેક્ટસ અને મોટા નાણાકીય રોકાણો સંદર્ભે મળેલા દસ્તાવેજોનું મૂલ્ય કરોડો રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ તપાસે નવો વળાંક લીધો છે. વસંત ગજેરા દ્વારા જે વ્યક્તિ પાસે હવાલો કરાવ્યો હતો તે વ્યકિત પાસે સુરતના મુન્ના ઓલપાડીએ પણ હવાલો કરાવ્યો હોવાની વાત સામે આવી હતી. જેને લઈને લક્ષ્મી ડાયમંડની તપાસ પૂર્ણ થઇ પરંતુ મુન્ના ઓલપાડીને ત્યા મુંબઇની આયકર વિભાગની ટીમ દ્વારા દરોડા પાડી લક્ષ્મી ડાયમંડ અને તેને સંલગ્ન કંપની પર સર્ચ કરી રહી છે.

દરોડાની કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં સીલ કરાયેલા લોકરોની પણ તપાસ આગળ કરવામાં આવશે. હિસાબો અને ચેક રૂપિયાનું આવન-જાવન કરવા માટે વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. ભલે સ્થળ પર તપાસ પૂર્ણ થઈ હોય, પરંતુ ઈન્ટરનલ તપાસ અને નાણાકીય લેવડદેવડની ચકાસણી લાંબા સમય સુધી ચાલુ રહેશે તેવી શક્યતા. છે. તપાસ દરમિયાન વિભાગને કેટલાક મની લોન્ડરિંગ શંકાસ્પદ ટ્રાન્જેક્શન પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

સૂત્રો મુજબ, મુન્ના ઓલપાડી દ્વારા પણ એજન્ટ મારફતે હવાલા પ્રકારના વ્યવહારો કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ ઈનપુટ બાદ મુંબઈની ઈન્કમટેક્સ ટીમે અડાજણ વિસ્તારમાં આવેલ જુનોમોનેટા કોમ્પલેક્ષ ખાતે આવેલ મુન્ના ઓલપાડીની ઓફિસ-તેમજ રહેણાંક સ્થળોએ દરોડા પાડયા છે. વિભાગને વધુમાં એવી માહિતી મળી છે કે પાલ વિસ્તારમાં આશરે 2 હજાર કરોડ રૂપિયાની જમીન તેમજ પાલ ગૌરવપથ રોડ પર આવેલ એક ક્લબમાં તેણે તાજેતરમાં ભાગીદારી કરી છે. આ ઉપરાંત ડુમસ રોડ પર એસ કે ચોકડી પાસે બંધ પડેલા પ્રોજક્ટને પણ તેણે લઇ લીધો હોવાની વાત પણ સામે આવી છે. આ સંપત્તિઓ અને રોકાણોની તપાસ પણ હવે શરૂ કરવામાં આવી છે.

ધીરુ ગજેરાએ ઈન્કમટેક્સના દરોડા અંગે શું કહ્યું?

પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ ઈન્કમટેક્સના દરોડા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ વર્ષોથી પોતાના પાંચેય ભાઈઓથી અલગ રહે છે અને ઇન્ડિપેન્ડન્ટ છે. તેમના પાંચ ભાઈઓનું અલગ ગ્રુપ છે અને તેઓ સાથે રહીને વ્યવસાય કરે છે. લક્ષ્મી ડાયમંડ કે તેમના ભાઈઓ દ્વારા ચલાવવામાં આવતી કોઈ પણ શાળા કે કોલેજોમાં તેમનો કોઈ હિસ્સો નથી. તેઓ ક્યારેય તેમના ભાઈઓની મુંબઈ ઓફિસે પણ ગયા નથી, આથી તેમના વ્યવસાય વિશે તેઓ કશું જ જાણતા નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, મારા પાંચેય ભાઈઓ તપાસ અધિકારીઓને પૂરો સાથ સહકાર આપી રહ્યા છે અને જે કઈ હશે તે તપાસના અંતે બહાર આવશે.

હાલ સુધી ઈન્કમટેક્સ વિભાગે સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ તપાસમાં મની લોન્ડરિંગ અને હવાલા ટ્રાન્ઝેક્શનની શંકા વધતા આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આપણ વાંચો:  નવજાતની ત્વચાના રંગ પર નક્કી થાય છે તેની કિંમત, બાળ તસ્કરોને પકડતા ચોંકાવનારી વિગતો આવી બહાર

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button