સલીમ સુરેશ બનીને આવે એ ફ્રોડ કહેવાય, લવ નહીંઃ હર્ષ સંઘવીના આકરા તેવર

સુરતઃ ગુજરાતમાં હાલ નવરાત્રીનો રંગ જામી રહ્યો છે. આ દરમિયાન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સલીમ સુરેશ બનીને આવે એ ફ્રોડ કહેવાય, લવ નહીં. એક કાર્યક્રમમાં તેમણે ‘લવ જેહાદ’ પરના ભાજપના વલણનો સખત બચાવ કર્યો હતો, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મુદ્દો આંતરધર્મીય લગ્નોનો વિરોધ કરવાનો નથી, પરંતુ છેતરપિંડીનો છે.
તેમણે દલીલ કરી હતી કે પક્ષ લવ મેરેજની વિરુદ્ધ નથી. તેમણે પ્રેમને પવિત્ર સંબંધ ગણાવ્યો હતો અને છેતરપિંડીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું, “જો કોઈ સલીમ, સુરેશના નામે ઓળખ આપીને, રાજ્યની કોઈ નિર્દોષ છોકરીને ફસાવે અને વર્ષો પછી તેને તેની સાચી ઓળખ ખબર પડે તો તેના જીવનનું શું થાય? આવા હજારો કિસ્સાઓ નોંધાયેલા છે. માત્ર ત્રણ દિવસ પહેલાં જ ગાંધીનગરમાં આસામના એક છોકરાએ ખોટું નામ આપીને એક છોકરીને ફસાવી અને તેને ભગાડી ગયો હતો. ગુજરાત પોલીસે તે પરિવારની હાલત જોઈ છે.
સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદો પહેલેથી જ અસ્તિત્વમાં છે અને ભાજપે તેને બનાવ્યો નથી, પરંતુ તેનો અમલ કરવો જરૂરી છે. તેમણે કહ્યું, છોકરી પાસે પસંદગીનો અધિકાર છે, તે જેને ઈચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે. પરંતુ જો તે તેની ઓળખ છુપાવે છે, તો અમે તેની વિરુદ્ધ છીએ. આવા કિસ્સાઓ ઓછા નથી. એક સર્વે કરો – આ એક મોડસ ઓપરેન્ડી છે. લોકોએ અમને તેનો સામનો કરવાની આ જવાબદારી આપી છે.
ગુજરાતમાં ભાજપના વર્ચસ્વની ટીકાનો જવાબ આપતા તેમણે કહ્યું, આ વિપક્ષની જવાબદારી છે, ખાસ કરીને જો તમારે રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે સત્તામાં આવવું હોય, તો તમારે લોકોની વચ્ચે રહેવું પડશે અને તેમના માટે કામ કરવું પડશે. ગુજરાતના લોકો અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે. ભાજપની પ્રગતિ ગુજરાતના લોકો સાથે થઈ છે અને ગુજરાતના દરેક વર્ગના લોકોનો વિકાસ ભાજપના શાસન હેઠળ થયો છે.
તાજેતરમાં રાજકોટના જસદણમાં પ્રેમલગ્નના કાયદામાં ફેરફારની માંગ સાથે પાટીદાર સમાજે ભવ્ય રેલી કાઢી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાથમાં વિવિધ બેનરો લઈને જોડાયા હતા. જસદણના વિવિધ વિસ્તારોમાં આ રેલી ફરી હતી. સેવાસદન બહાર પાટીદાર સમાજના આગેવાનોએ રેલીને સંબોધી હતી. મનોજ પનારાએ નિવેદન આપ્યું હતું કે,પ્રેમ લગ્નમાં વધુમાં વધુ પાટીદાર સમાજની દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. પાટીદાર સમાજ ભોળો છે એટલે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે.
અન્ય કેટલાક શક્તિશાળી સમાજની દીકરીઓ સામે લુખ્ખા લફંગા આંખ ઊંચી કરીને જોતા નથી. કેમ કે તેમને ત્યાં ખબર છે કે અહીંયા ટાંટિયા ભાગી જશે. કેટલાક વકીલો, કેટલાક દલાલો, લાખ રૂપિયામાં આવા લગ્ન કરી આપે છે જેથી દીકરીઓ ત્યાં જાય કે ન જાય તેમના ડોક્યુમેન્ટ પહોંચી જાય એટલે લગ્ન થઈ જાય છે.
આ પણ વાંચો…સુરત પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ, પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન બોલ્યા હર્ષ સંઘવી